કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે જૂના BS-III અને BS-IV ડીઝલ ટ્રક તથા બસોમાં એક સસ્તું ડિવાઇસ લગાવવાથી તેમનું પ્રદૂષણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે. આ ડિવાઇસની કિંમત અંદાજે ₹4,000 થી ₹5,000 હોવાની શક્યતા છે.
IIT દિલ્હી દ્વારા વિકસિત આ ટેકનોલોજીનું પરીક્ષણ સફળ રહ્યું છે. આ ડિવાઇસ પ્રદૂષણના સૂક્ષ્મ કણો (પાર્ટિક્યુલેટ મેટર)ને 90 ટકા સુધી ઘટાડી શકે છે, જ્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx)ના ઉત્સર્જનમાં પણ 60 ટકા સુધીનો ઘટાડો થશે. આ રીતે જૂના વાહનોનું ઉત્સર્જન લગભગ BS-VI સ્તરની સમકક્ષ થઈ જશે.
આ ટેકનોલોજી DG સેટ્સમાં પહેલેથી ઉપયોગમાં લેવાય છે. સરકાર દ્વારા આ ડિવાઇસની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે AIS 228 (Automotive Industry Standard) લાગુ કરવાની તૈયારી છે.
આ પગલું સ્ક્રેપિંગ પોલિસીનો વિકલ્પ નથી, પરંતુ તેની સાથે સહાયક છે. જે વાહનો સ્ક્રેપિંગ મર્યાદામાં નથી આવતા, તેમના માલિકો નજીવા ખર્ચે આ ડિવાઇસ લગાવીને પોતાના વાહનોને પર્યાવરણ અનુકૂળ બનાવી શકશે.