સત્ય. સાહસ. સંકલ્પ.

40 વર્ષે બચત શરૂ કરીને પણ 60 વર્ષ સુધીમાં 3 કરોડનું ફંડ બની શકે, જાણો ગણતરી

40 વર્ષે બચત શરૂ કરીને પણ 60 વર્ષ સુધીમાં 3 કરોડનું ફંડ બની શકે, જાણો ગણતરી

ઘણા લોકો મોડી ઉંમરે બચત અને રોકાણ વિશે વિચારવાનું શરૂ કરે છે, કારણ કે તેમને લાગે છે કે સમય હાથમાંથી નીકળી ગયો છે. પણ આ માન્યતા પૂરેપૂરી સાચી નથી. 40 વર્ષની ઉંમરે પણ નિવૃત્તિ માટે ભંડોળ ઊભું કરવાની શરૂઆત કરી શકાય છે. ફરક એટલો જ પડે છે કે દર મહિને રોકાણની રકમ વધારે રાખવી પડે છે.

40 વર્ષની ઉંમરે શરૂઆત કરનારી વ્યક્તિ પાસે 60 વર્ષ સુધીમાં 20 વર્ષનો સમય હોય છે. આ સમય ખૂબ લાંબો નથી, પણ એટલો ઓછો પણ નથી.

નિવૃત્તિ ભંડોળમાં ફુગાવાની ગણતરી જરૂરી

સામાન્ય રીતે માનવામાં આવે છે કે નિવૃત્તિ પછીના વાર્ષિક ખર્ચના 25 થી 30 ગણું ભંડોળ હાથમાં હોવું જોઈએ. ધારો કે એક પરિવારનો આજે માસિક ખર્ચ 30,000 રૂપિયા છે. જો ફુગાવો 6% રહે, તો 20 વર્ષ પછી આ જ ખર્ચ લગભગ 96,000 રૂપિયા થઈ જશે. આ રકમના 25 ગણા એટલે આશરે 2.9 કરોડ રૂપિયા.

15,000 રૂપિયાની માસિક SIP કેટલું ફંડ બનાવે?

જો દર મહિને 15,000 રૂપિયાની SIP કરવામાં આવે, તો 20 વર્ષમાં કુલ 36 લાખ રૂપિયા રોકાય છે. વાર્ષિક 10% વળતર મળે તો 20 વર્ષ પછી આ રકમ આશરે 1.15 કરોડ રૂપિયા થાય. જો વાર્ષિક 12% વળતર મળે તો આ રકમ આશરે 1.5 કરોડ રૂપિયા થાય. આ ફક્ત ઉદાહરણ છે. ઇક્વિટી ફંડમાં રોકાણ પર વળતરની કોઈ ખાતરી હોતી નથી.

3 કરોડના ફંડ માટે માસિક રકમ વધારવી પડે

જો 2.9 કરોડ રૂપિયાનું નિવૃત્તિ ભંડોળ જોઈએ, તો 12% વાર્ષિક વળતર ધારીને દર મહિને લગભગ 29,000 રૂપિયાનું રોકાણ કરવું પડે. 40 વર્ષની ઉંમરે આ રકમ ભારે લાગે, કારણ કે પરિવારની અનેક જવાબદારીઓ હોય છે. પણ આ માટે બીજો રસ્તો પણ છે.

દર વર્ષે SIPમાં 10% વધારો કરવો

જો દર મહિને 15,000 રૂપિયાની SIP કરીને દર વર્ષે તેમાં 10% વધારો કરવામાં આવે, તો 12% વળતર ધારીને લગભગ 3 કરોડ રૂપિયાનું ભંડોળ તૈયાર થાય. આ માટે આવક વધતાં દર વર્ષે રોકાણની રકમ વધારવી પડે અને બિનજરૂરી ખર્ચ ઘટાડવો પડે. જરૂર પડે તો નિવૃત્તિની ઉંમર 62 કે 63 વર્ષ ધારી શકાય.

નોંધ: અહીં આપેલી માહિતી ફક્ત સામાન્ય સમજ માટે છે. બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ જરૂર લેવી.