વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલ ખરીદવા માટે તેના પરના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો અમેરિકામાં જ વિરોધ શરૂ થયો છે. ટ્રમ્પના પક્ષના જ રિપબ્લિકન સાંસદ બ્રાયન ફિટ્ઝપૈટ્રિકે આ નિર્ણયને રોકવા માટે દ્વિદલીય બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ એશિયામાં ઈરાન સામેના યુદ્ધને કારણે અમેરિકામાં ડીઝલના ભાવ એક મહિનાથી છ ડોલરથી ઉપર છે. ભાવ ઘટાડવા માટે ટ્રમ્પે યુક્રેન સામે યુદ્ધ કરી રહેલા રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે ડીઝલ ખરીદીનો સોદો કર્યો છે. ટ્રમ્પને આશા છે કે રશિયન ડીઝલ પરના પ્રતિબંધો હટતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે.
ફિટ્ઝપૈટ્રિકે કહ્યું કે બિલનું નામ 'રોનાલ્ડ રીગન પીસ થ્રૂ સ્ટ્રેન્થ એક્ટ' રાખવામાં આવશે. તેને ગૃહમાં મતદાન માટે લાવવા વિશેષ પ્રક્રિયા અપનાવાશે. બિલને બંને ગૃહોમાં ભારે સમર્થન મળી શકે છે. નેબ્રાસ્કાના રિપબ્લિકન સાંસદ ડોન બેકને પણ આ પહેલનું સમર્થન કર્યું છે અને સહપ્રસ્તાવક બનવા તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
અમેરિકન સાંસદોના મતે, ગયા મહિને જ કોંગ્રેસે રશિયા-ઈરાન પાસેથી ક્રૂડ ખરીદનારા ટોચના પાંચ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાનું બિલ બહુમતીથી પસાર કર્યું હતું. ત્યારે રશિયા પાસેથી ડીઝલ ખરીદવાનું ટ્રમ્પ સરકારનું વલણ આશ્ચર્યજનક છે. સેનેટર જેન શાહીને કહ્યું કે યુએસ કોંગ્રેસે ૨૦૨૨માં રશિયન એનર્જીની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રમ્પ પુતિન પાસેથી ડીઝલ ખરીદીને મંજૂરી આપીને આ પ્રતિબંધોની અવગણના કરી શકે નહીં.
રશિયા દુનિયાના સૌથી મોટા ડીઝલ નિકાસકારોમાંનો એક છે. પ્રતિબંધો દૂર થાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું ડીઝલ આવે તો પૂરવઠો વધી શકે છે. જે દેશોને ડીઝલની જરૂર છે તેમને વધારાનો પૂરવઠો મળવાની આશા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડીઝલનો પૂરવઠો વધતાં ભાવ નીચે આવવાની શક્યતા છે, પરંતુ તેની ખાતરી નથી.