સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિમાં 'ભાડે ગરબા પાર્ટનર'ની સર્વિસ વાયરલ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પેકેજના ચાર્જ જાણો

નવરાત્રિમાં 'ભાડે ગરબા પાર્ટનર'ની સર્વિસ વાયરલ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પેકેજના ચાર્જ જાણો

ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સાહ દર વર્ષે વધતો જાય છે. ગરબા રમવા માટે લોકો નવા-નવા પ્લાન બનાવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર 'ભાડે ગરબા પાર્ટનર' આપવાની સર્વિસ ચર્ચામાં છે. ગુજરાતના એક યુવકે આ સર્વિસ શરૂ કરી હોવાનો દાવો કર્યો છે, જેમાં 1,000 થી લઈને 2,000 રૂપિયા સુધીના પેકેજ બતાવવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ એમ ત્રણ પેકેજની યાદી આપવામાં આવી છે. સૌથી સસ્તા સિલ્વર પેકેજની કિંમત 1,000 રૂપિયા છે. આ પેકેજમાં બે કલાક ગરબા રમવાની તક, મેચિંગ ડ્રેસ, ગરબાના સ્ટેપ શીખવવા અને સેલ્ફી પણ સામેલ છે.

ગોલ્ડ પેકેજ માટે 1,500 રૂપિયા રાખવામાં આવ્યા છે. તેમાં ચાર કલાક ગરબા રમવાની સાથે એક સ્ટોરી પણ બતાવવામાં આવશે. પોસ્ટમાં કહેવાયું છે કે બંને વ્યક્તિ પહેલેથી એકબીજાને જાણતા હોય તેવી મુલાકાતની વાર્તા બનાવવામાં આવશે. સાથે સોશિયલ મીડિયા પર શેર કરવા માટે વીડિયો પણ બનાવવામાં આવશે.

સૌથી મોંઘા પ્લેટિનમ પેકેજની કિંમત 2,000 રૂપિયા છે. તેમાં આખો દિવસ ગરબા કરવાની સુવિધા આપવામાં આવી છે. ઉપરાંત દુપટ્ટો અને ઝુમકા યોગ્ય રીતે પહેરવામાં મદદ તથા ગ્રાહકને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ પેકેજમાં સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પોસ્ટ નીચે લોકોએ મજેદાર પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે તેને નવો સાઈડ બિઝનેસ ગણાવ્યો, તો કેટલાકે મજાકમાં કહ્યું કે 'ગરબા પાર્ટનર ભાડે લેવો' એ નવું કામ છે. કેટલાક લોકોએ પોતાના અને મિત્રો માટે વધુ માહિતી માંગી છે.

જો કે આ સર્વિસ ખરેખર શરૂ થઈ છે કે માત્ર મજાક છે તે અંગે પોસ્ટમાં કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. નવરાત્રિ દરમિયાન ફોટો અને રીલ્સ બનાવવાની સ્પર્ધા વધી છે, ત્યારે આવો વિચાર લોકોને અનોખો લાગ્યો છે. નવરાત્રિ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે, જેમાં નવ રાત્રિ માતાની આરાધના થાય છે.