સત્ય. સાહસ. સંકલ્પ.

રેનો ટ્રાઈબર ટર્બો લોન્ચ: 21 કિમી/લીટર માઈલેજ અને 7 સીટ, જાણો કિંમત

રેનો ટ્રાઈબર ટર્બો લોન્ચ: 21 કિમી/લીટર માઈલેજ અને 7 સીટ, જાણો કિંમત

ફ્રેન્ચ કાર નિર્માતા કંપની રેનોએ તેની લોકપ્રિય 7-સીટર MPV કારનું નવું ટર્બો મોડેલ 'રેનો ટ્રાઈબર ટર્બો' ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. તહેવારોની સીઝનમાં પરિવાર માટે નવી કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે આ એક નવો વિકલ્પ છે.

અગાઉના મોડેલમાં ગ્રાહકો ફરિયાદ કરતા હતા કે 7 લોકોને બેસાડ્યા પછી કારનું એન્જિન ધીમું પડી જતું હતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કંપનીએ હવે આ કારને ટર્બો એન્જિન સાથે ઉતારી છે.

એન્જિન અને પરફોર્મન્સ

નવી રેનો ટ્રાઈબર ટર્બોમાં 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એ જ એન્જિન છે જે કંપનીની કાઈગર અને ડસ્ટર SUVમાં વપરાય છે, પરંતુ ટ્રાઈબરની જરૂરિયાત મુજબ તેને અપગ્રેડ કરવામાં આવ્યું છે. નવું એન્જિન 99 bhp પાવર અને 180 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીના દાવા મુજબ, કાર 10.8 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી શકે છે. હાલમાં આ કાર ફક્ત 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. ઓટોમેટિક (CVT) વેરિઅન્ટ ઇચ્છતા ગ્રાહકોએ હજુ થોડી રાહ જોવી પડશે.

માઈલેજ અને ફીચર્સ

કંપનીના જણાવ્યા અનુસાર, નવી રેનો ટ્રાઈબર ટર્બો 21 કિમી/લીટરની માઈલેજ આપે છે. કારના એન્જિન સિવાય કેબિન કે એક્સટીરિયર ડિઝાઈનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી. તેમાં 8-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, વાયરલેસ ફોન ચાર્જર, ઓટોમેટિક AC, બીજી અને ત્રીજી હરોળ માટે રીઅર AC વેન્ટ્સ અને પુશ-બટન સ્ટાર્ટ-સ્ટોપ જેવી સુવિધાઓ મળે છે. ત્રીજી હરોળની સીટો કાઢી નાખવાથી બૂટ સ્પેસ 625 લિટર સુધી વધારી શકાય છે.

સેફ્ટી ફીચર્સ

રેનોએ આ કારમાં 6 એરબેગ્સ (બધા વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ), EBD સાથે ABS, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), ટ્રેક્શન કંટ્રોલ, હિલ-સ્ટાર્ટ આસિસ્ટ, આઈસોફિક્સ ચાઈલ્ડ સીટ માઉન્ટ્સ અને ટાયર-પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) આપી છે.

વેરિઅન્ટ્સ અને કિંમત

રેનો ટ્રાઈબર ટર્બો ત્રણ વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવી રહી છે: ઈવોલ્યુશન, ટેક્નો અને ઈમોશન. આ ટર્બો મોડેલની કિંમત સ્ટાન્ડર્ડ પેટ્રોલ મોડેલ કરતાં આશરે 94,000 રૂપિયાથી 1.11 લાખ રૂપિયા સુધી વધુ છે. કિંમતો વિવિધ રાજ્યોના કરવેરા અને ડીલરશિપ ચાર્જના આધારે બદલાઈ શકે છે. ચોક્કસ કિંમત અને ઓફર્સ માટે નજીકના રેનો શોરૂમનો સંપર્ક કરવો સલાહભર્યું છે.