સ્ટ્રોંગ-હાઇબ્રિડ એસયુવી ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે ભારતીય બજારમાં હવે એક નવો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. રેનોએ નવી ડસ્ટર હાઇબ્રિડને ₹16.99 લાખની એક્સ-શોરૂમ પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. આ કિંમતને કારણે તે સીધી મારુતિ સુઝુકી વિક્ટોરિસ, ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રુઝર હાયરાઇડર જેવી હાઇબ્રિડ એસયુવી સાથે સ્પર્ધા કરે છે. ડસ્ટર હાઇબ્રિડની સૌથી મોટી ખાસિયત માત્ર તેની નવી ટેક્નોલોજી જ નહીં, પરંતુ કંપની દ્વારા દાવો કરવામાં આવેલું 29 kmplનું માઇલેજ પણ છે.
ડસ્ટર હાઇબ્રિડમાં વધુ ક્ષમતાવાળું પેટ્રોલ એન્જિન, મોટી બેટરી અને બે ઇલેક્ટ્રિક મોટર ધરાવતી હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે. એટલે કે રેનોએ નવી ડસ્ટરને એવી એસયુવી તરીકે તૈયાર કરી છે જે વધુ સારા માઇલેજ સાથે પરફોર્મન્સ પર પણ ભાર મૂકે છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે કિંમત, માઇલેજ અને પાવરના મામલે આ એસયુવી મારુતિ અને ટોયોટાની હાઇબ્રિડ એસયુવી સામે કેટલી મજબૂત છે.
કિંમતમાં કેટલો તફાવત?
રેનો ડસ્ટર હાઇબ્રિડની એક્સ-શોરૂમ કિંમત ₹16.99 લાખથી ₹19.49 લાખની વચ્ચે છે. બીજી તરફ, મારુતિ વિક્ટોરિસ સ્ટ્રોંગ હાઇબ્રિડની પ્રારંભિક કિંમત આશરે ₹16.43 લાખ છે. મારુતિ ગ્રાન્ડ વિટારા સ્ટ્રોંગ હાઇબ્રિડની કિંમત ₹16.68 લાખથી શરૂ થાય છે, જ્યારે ટોયોટા અર્બન ક્રુઝર હાયરાઇડર સ્ટ્રોંગ હાઇબ્રિડની પ્રારંભિક કિંમત આશરે ₹17.18 લાખ છે.
આ હિસાબે પ્રારંભિક કિંમતની દૃષ્ટિએ વિક્ટોરિસ સૌથી સસ્તી એસયુવી છે. ડસ્ટર હાઇબ્રિડ તેની સરખામણીએ આશરે ₹56,000 મોંઘી છે. જોકે, ટોપ વેરિઅન્ટની વાત કરીએ તો કિંમતમાં તફાવત બદલાઈ જાય છે.
માઇલેજના મામલે ડસ્ટરનું પલડું ભારે
માઇલેજની વાત કરીએ તો રેનો ડસ્ટર હાઇબ્રિડ માટે 29 kmplનો દાવો કરવામાં આવ્યો છે. મારુતિ વિક્ટોરિસ હાઇબ્રિડ માટે આશરે 28.65 kmpl, જ્યારે ગ્રાન્ડ વિટારા અને હાયરાઇડર હાઇબ્રિડ માટે આશરે 27.97 kmpl સુધીના માઇલેજનો દાવો કરવામાં આવે છે. એટલે કે આ ચારેય એસયુવીમાં ડસ્ટર સૌથી વધુ માઇલેજ આપતી એસયુવી બને છે.
રેનોએ ડસ્ટર હાઇબ્રિડમાં 1.8-લિટર પેટ્રોલ એન્જિનની સાથે બે ઇલેક્ટ્રિક મોટરનું સેટઅપ આપ્યું છે. આ હાઇબ્રિડ સિસ્ટમનું કુલ આઉટપુટ આશરે 160 PS છે. તેની સરખામણીએ વિક્ટોરિસ, ગ્રાન્ડ વિટારા અને હાયરાઇડરનાં સ્ટ્રોંગ-હાઇબ્રિડ મોડલ્સમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવે છે, જે આશરે 116 PSનું આઉટપુટ આપે છે.
બીજી તરફ, ડસ્ટરમાં 1.4 kWhની બેટરી આપવામાં આવી છે, જ્યારે અન્ય એસયુવીની હાઇબ્રિડ સિસ્ટમમાં નાની બેટરીનો ઉપયોગ થાય છે. રેનોની E-Tech સિસ્ટમ શહેરમાં ઓછી ઝડપે ઇલેક્ટ્રિક મોટરનો વધુ ઉપયોગ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, બ્રેકિંગ દરમિયાન બેટરીને રિચાર્જ પણ કરે છે.
કોના માટે કઈ એસયુવી શ્રેષ્ઠ?
જો તમને ઓછી કિંમતે સારી માઇલેજ આપતી એસયુવી ખરીદવી હોય તો મારુતિ વિક્ટોરિસ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. બીજી તરફ, જો તમે માઇલેજની સાથે વધુ પાવર અને નવી હાઇબ્રિડ ટેક્નોલોજી ઇચ્છતા હોય તો ડસ્ટર હાઇબ્રિડ તમારા માટે વધુ આકર્ષક વિકલ્પ સાબિત થઈ શકે છે.