મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અંતરિક્ષમાં 1,600 સેટેલાઇટનું વિશાળ નેટવર્ક ઊભું કરવાની યોજના પર કામ કરી રહી છે. આ નેટવર્ક ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ટક્કર આપવા માટે છે. પ્રોજેક્ટ અંતર્ગત સપ્ટેમ્બર 2027માં પ્રથમ ટેસ્ટ મિશન લોન્ચ કરવામાં આવશે. ઉપરાંત, કામને ઝડપી બનાવવા માટે કંપની અમેરિકાથી ઓછામાં ઓછા 400 સેટેલાઇટ ખરીદવાની તૈયારીમાં છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, રિલાયન્સ આ નેટવર્ક પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરશે. આ માટે કંપની ભારતની સેટેલાઇટ ઉત્પાદક કંપનીઓ, ટેક સ્ટાર્ટઅપ્સ અને મોટા ઔદ્યોગિક જૂથો સાથે ભાગીદારીની શક્યતાઓ શોધી રહી છે. સમગ્ર નેટવર્ક 2035 સુધીમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. તેનાથી તાજેતરમાં લિસ્ટ થયેલી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડને ફાયદો થશે અને દેશના દૂરસ્થ વિસ્તારોમાં મોબાઇલ ટાવર વગર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડી શકાશે.
રિલાયન્સે સેટેલાઇટ બનાવતી ભારતીય કંપનીઓને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ફંડ આપવાની ઓફર કરી છે. હાલમાં ભારતમાં દર વર્ષે 15થી ઓછા સેટેલાઇટ બને છે, જ્યારે રિલાયન્સના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે દર વર્ષે આશરે 200 સેટેલાઇટની જરૂર પડશે. આ અછત પૂરી કરવા કંપની સ્થાનિક ઉત્પાદન વધારવામાં રોકાણ કરી રહી છે.
દેશમાં ઉત્પાદન સાથે-સાથે રિલાયન્સ વિદેશોથી પણ સેટેલાઇટ ખરીદશે. કંપની અમેરિકાની બે કંપનીઓ પાસેથી ઓછામાં ઓછા 400 સેટેલાઇટ ખરીદવા માટે વાતચીત કરી રહી છે. યુરોપના સપ્લાયર્સ પર પણ વિચાર ચાલી રહ્યો છે. જોકે, સુરક્ષા કારણોસર રિલાયન્સે આ પ્રોજેક્ટમાં ચીનને સંપૂર્ણપણે બહાર રાખ્યું છે.
રિલાયન્સ આ નેટવર્કનું પ્રથમ ટેસ્ટ મિશન સપ્ટેમ્બર 2027માં કરશે અને 2028ની શરૂઆતથી મોટા પાયે સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. પહેલા આ પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂર્ણ કરવાની યોજના હતી, પરંતુ નિર્માણ અને રોકેટ લોન્ચિંગ સાથે જોડાયેલા પડકારોને કારણે હવે સમયમર્યાદા વધારીને 2035 કરવામાં આવી છે.
ઉદ્યોગના જાણકારોના મતે ફંડિંગ દ્વારા સેટેલાઇટ બનાવવા સરળ છે, પરંતુ હજારો સેટેલાઇટને અવકાશમાં મોકલવા અને તેમના માટે યોગ્ય ઓર્બિટલ સ્લોટ મેળવવો સૌથી મોટો પડકાર હશે. આ માટે રોકેટ લોન્ચની ગતિમાં નોંધપાત્ર વધારો કરવો પડશે. સ્ટારલિંક પાસે સમગ્ર વિશ્વમાં 10,000થી વધુ સેટેલાઇટ છે, જ્યારે રિલાયન્સનું 1,600 સેટેલાઇટનું નેટવર્ક ખાસ કરીને ભારતની ઇન્ટરનેટ અને સુરક્ષા જરૂરિયાતો માટે હશે.
2025માં પાકિસ્તાન સાથે થયેલા તણાવ બાદ ભારત પોતાની અવકાશ ક્ષમતાને મજબૂત બનાવવા પર ભાર આપી રહ્યું છે. આ નેટવર્ક યુદ્ધ અથવા કોઈ સંકટના સમયે સેના અને સુરક્ષા એજન્સીઓના સંચારમાં પણ ઉપયોગી સાબિત થશે. સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી હજુ પણ સરકારી અને સુરક્ષા તપાસના દાયરામાં અટવાયેલી છે. સંકટના સમયે વિદેશી કંપનીઓના નેટવર્ક પર નિર્ભર રહેવાની ચિંતાઓએ ભારતમાં પોતાની સિસ્ટમ તૈયાર કરવાની જરૂરિયાત વધારી દીધી છે.
રિલાયન્સની આ યોજના ઇલોન મસ્કના તે આરોપોના લગભગ એક મહિના બાદ સામે આવી છે, જેમાં તેમણે ભારતીય વેપારીઓ પર સ્ટારલિંકનો રસ્તો રોકવાનો આરોપ લગાવ્યો હતો. 7 ઓક્ટોબરે મસ્કે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે કેટલાક શક્તિશાળી લોકો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સ્ટારલિંકને રોકી રહ્યા છે. બીજા જ દિવસે તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું મુકેશ અંબાણી ‘ભારતના અસલી બોસ’ છે. તેના જવાબમાં 16 ઓક્ટોબરે રિલાયન્સે કહ્યું હતું કે તે સ્પર્ધાથી ક્યારેય ડરતી નથી અને સ્ટારલિંકનું સ્વાગત કરે છે, પરંતુ સૌએ ભારતીય નિયમોનું પાલન કરવું પડશે.