સત્ય. સાહસ. સંકલ્પ.

રિલાયન્સનો નફો 34% વધ્યો, રેવન્યુ 28% ઊછળ્યો: O2C બિઝનેસનું દમદાર પ્રદર્શન

રિલાયન્સનો નફો 34% વધ્યો, રેવન્યુ 28% ઊછળ્યો: O2C બિઝનેસનું દમદાર પ્રદર્શન

મુંબઈ: મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2026-27ના નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર 2026)માં શાનદાર પ્રદર્શન કર્યું છે. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 34% વધીને ₹29,550 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં નફો ₹22,092 કરોડ હતો.

કંપનીની ઓપરેશન્સમાંથી આવક (રેવન્યુ) 28% વધીને ₹3.62 લાખ કરોડ પર પહોંચી છે. એક વર્ષ અગાઉ આ આવક ₹2.83 લાખ કરોડ હતી. ત્રિમાસિક ધોરણે પણ નફો 27% વધ્યો છે; પાછલી ત્રિમાસિકમાં કંપનીએ ₹23,196 કરોડનો નફો કમાયો હતો. ત્રિમાસિક ધોરણે આવક 6.5% વધી છે, જે પાછલી ત્રિમાસિકમાં ₹3.40 લાખ કરોડ હતી.

નફામાં આ વધારો મુખ્યત્વે ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસના મજબૂત પ્રદર્શનને કારણે થયો છે. ક્રૂડ ઓઇલ અને ઇંધણના ભાવ વધવાથી O2C સેગમેન્ટની આવક 44% વધીને ₹2.32 લાખ કરોડ થઈ છે, જ્યારે આ સેગમેન્ટનો EBITDA 68% વધીને ₹25,203 કરોડ થયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં EBITDA ₹15,008 કરોડ હતો.

કંપનીના અન્ય સેગમેન્ટની વાત કરીએ તો રિલાયન્સ જિયો પ્લેટફોર્મનો નફો 14% વધ્યો છે અને રેવન્યુ 11.40% વધીને ₹48,486 કરોડ થયો છે. જિયોનો ARPU (દરેક યુઝર દીઠ સરેરાશ કમાણી) 3.5% વધીને ₹211.15 થયો છે અને દરેક યુઝર દર મહિને સરેરાશ 44.2 GB ડેટાનો ઉપયોગ કરી રહ્યો છે. રિટેલ સેગમેન્ટની આવક 1.29% વધીને ₹91,717 કરોડ થઈ છે. ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટની આવક 0.62% ઘટીને ₹6,020 કરોડ થઈ છે.

રિલાયન્સના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જણાવ્યું કે વૈશ્વિક તણાવ અને કોમોડિટી બજારમાં ઉતાર-ચઢાવ છતાં કંપનીએ મજબૂત પ્રદર્શન કર્યું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં 40.6% અને ટ્રાન્સપોર્ટ ફ્યુઅલના ભાવમાં 50%થી 78% સુધીનો વધારો થયો હતો, જેણે O2C બિઝનેસની કમાણીમાં મોટો ફાળો આપ્યો.

શેરબજારની વાત કરીએ તો પરિણામો જાહેર થાય તે પહેલાં રિલાયન્સનો શેર 0.2% ઘટીને ₹1,164 પર બંધ થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં શેર 26% ઘટ્યો છે, જ્યારે એક વર્ષમાં 22%નો ઘટાડો નોંધાયો છે. કંપનીનું માર્કેટ કેપ ₹15.74 લાખ કરોડ છે.

ભવિષ્યની યોજનાઓમાં જિયો તેની સેવાઓમાં AIનો સમાવેશ કરી રહી છે અને સેટેલાઇટ કમ્યુનિકેશન તથા 6G ક્ષમતાઓ વિકસાવવા પર ધ્યાન આપી રહી છે. રિલાયન્સ નવા ઊર્જા વ્યવસાય, રિટેલ નેટવર્ક અને EV ચાર્જિંગ સ્ટેશનોના વિસ્તરણ માટે મૂડી એકત્ર કરી રહી છે.