સત્ય. સાહસ. સંકલ્પ.

રિલાયન્સ અને નાયરાએ પેટ્રોલ-ડીઝલ વેચાણ મર્યાદિત કર્યું, ક્રૂડ 107 ડોલરને પાર

રિલાયન્સ અને નાયરાએ પેટ્રોલ-ડીઝલ વેચાણ મર્યાદિત કર્યું, ક્રૂડ 107 ડોલરને પાર

મોંઘા ક્રૂડ ઓઈલ અને સ્થિર રિટેલ ભાવોને કારણે ખાનગી ઇંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલનું વેચાણ મર્યાદિત કરી દીધું છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, રિલાયન્સ-બીપી અને નાયરા એનર્જી જેવી કંપનીઓએ આ પગલું ભર્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ 107 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે, પણ મે મહિનાથી પેટ્રોલ પંપો પર રિટેલ ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આથી કંપનીઓને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

અહેવાલ મુજબ, કંપનીઓ આ પગલું એવા સંગ્રહખોરોને રોકવા માટે ભરી રહી છે, જેઓ ડ્રમમાં ઇંધણ ભરીને ઊંચા ભાવે વેચે છે. નાયરા એનર્જીના પંપો પર હવે એક વાહનને વધુમાં વધુ 200 લિટર ડીઝલ અને 30 લિટર પેટ્રોલ જ આપવામાં આવે છે. રિલાયન્સે કયા પ્રતિબંધો લગાવ્યા છે તે સ્પષ્ટ થયું નથી.

રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટના તણાવને કારણે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલની સપ્લાય પર અસર પડી છે. આ સપ્લાય સંકટથી આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘણો વધારો થયો છે.

ગ્લોબલ માર્કેટમાં ભાવ ઊંચા હોવાથી ભારતીય રિફાઇનરીઓ માટે દેશમાં સસ્તું ઓઈલ વેચવા કરતાં વિદેશમાં નિકાસ કરવી વધુ નફાકારક બની છે.

રેટિંગ એજન્સી ICRA અનુસાર, 9 સપ્ટેમ્બર સુધી ખાનગી કંપનીઓને પેટ્રોલ પર લગભગ ₹5 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹23 પ્રતિ લિટરનું નુકસાન થઈ રહ્યું હતું. ક્રૂડ ઓઈલ 107 ડોલરને પાર જતાં આ નુકસાન વધ્યું છે. આ પહેલાં રિલાયન્સ-બીપીએ એપ્રિલમાં પણ આવા પ્રતિબંધો લગાવ્યા હતા.

ખાનગી પંપો પર પ્રતિબંધો બાદ ગ્રાહકોની ભીડ ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી કંપનીઓના પંપો તરફ વળી રહી છે. દેશના રિટેલ ઇંધણ બજારમાં આ ત્રણેય કંપનીઓનો 90% હિસ્સો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા મુજબ, સરકારી રિફાઈનરીઓ ખર્ચ કરતાં ઓછા ભાવે ઇંધણ વેચતી હોવાથી દરરોજ લગભગ ₹530 કરોડનું નુકસાન ભોગવી રહી છે.

વેચાણ મર્યાદિત થવાની સૌથી મોટી અસર ટ્રાન્સપોર્ટ સેક્ટર પર દેખાઈ રહી છે. ટ્રક ડ્રાઇવરોના કહેવા મુજબ, ખાનગી પંપો પર પ્રતિ વાહન ડીઝલનો જથ્થો ઘટાડાતાં તેમને ઇંધણ ભરાવવા માટે વારંવાર ઊભા રહેવું પડે છે. તેનાથી મુસાફરીનો સમય અને ખર્ચ બંને વધ્યા છે.