રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL)એ તમિલનાડુમાં ₹20ની કિંમતે 'જોયલેન્ડ' (Joyland) ફ્લેવર્ડ દૂધ લોન્ચ કર્યું છે. આ સાથે કંપનીએ 'રેડી-ટુ-ડ્રિંક' (તૈયાર પીણા) ડેરી બજારમાં પ્રવેશ કર્યો છે, જ્યાં અત્યાર સુધી ITC અને અમૂલ જેવી કંપનીઓનું વર્ચસ્વ રહ્યું છે.
જોયલેન્ડ ફ્લેવર્ડ મિલ્ક અસલી ડેરી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને તે સ્ટ્રોબેરી તથા વેનીલા ફ્લેવરમાં ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા મુજબ, તે ગ્રાહકોને પરવડે તેવી કિંમતે ગુણવત્તાસભર ડેરી ઉત્પાદન આપવાનો પ્રયાસ છે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ડિરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, "રેડી-ટુ-ડ્રિંક ડેરી બજારમાં પ્રવેશ એ RCPLના પોર્ટફોલિયોને વિસ્તારવા અને ગ્રાહકોને વધુ વિકલ્પો આપવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. જોયલેન્ડ સાથે અમે અસલી ડેરી સામગ્રી, ગુણવત્તા અને પરવડે તેવી કિંમતને એકસાથે લાવી રહ્યા છીએ, જેથી વધુમાં વધુ પરિવારો સુધી વિશ્વસ્તરીય ઉત્પાદનો પહોંચી શકે. તમિલનાડુ આ સફરની શરૂઆત છે; અમે જોયલેન્ડને ડેરી પીણાંઓના વિશાળ પોર્ટફોલિયો તરીકે વિકસાવી રહ્યા છીએ અને ધીમે ધીમે સમગ્ર ભારતમાં તેની પહોંચ વધારવાની યોજના ધરાવીએ છીએ."
RCPLની વિતરણ વ્યવસ્થા અને છૂટક વેપાર નેટવર્કના આધારે જોયલેન્ડ તમિલનાડુમાં તરત જ ઉપલબ્ધ થઈ ગયું છે. કંપની આગળના તબક્કામાં વધુ ફ્લેવર ઉમેરવાની અને ડેરી પીણાંઓની અન્ય શ્રેણીઓમાં પ્રવેશવાની યોજના ધરાવે છે.
તમિલનાડુમાં લોન્ચ બાદ જોયલેન્ડ ધીમે ધીમે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થશે.