રિલાયન્સ આંધ્ર પ્રદેશમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ સ્થાપવા માટે ₹1 લાખ કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટથી રાજ્યમાં 3 લાખથી વધુ લોકોને રોજગારી મળશે અને આંધ્ર પ્રદેશ સરકારને લગભગ ₹60,000 કરોડની આવક થવાનો અંદાજ છે.
રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ 2 ઓક્ટોબરે મદનપલ્લેમાં એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી. તેઓ 'રાયલસીમા હોર્ટિકલ્ચર હબ' અને 'ઇન્ડિયન સ્કૂલ ઑફ એગ્રીકલ્ચર'ના શિલાન્યાસ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. આ પ્રસંગે તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે પણ મુલાકાત કરી.
અનંત અંબાણીએ કહ્યું કે ખેડૂતો ભારતની ખાદ્ય સુરક્ષા જ નહીં, હવે ઊર્જા સુરક્ષાને પણ મજબૂત બનાવશે અને દેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.
કમ્પ્રેસ્ડ બાયોગેસ એ નવીનીકરણીય ઇંધણ છે, જે જૈવિક કચરો અને કૃષિ અવશેષોમાંથી બનાવવામાં આવે છે. કાચા માલમાં પરાળી, પશુઓનું છાણ, ખાદ્ય કચરો અને અન્ય બાયોમાસનો સમાવેશ થાય છે. આ અવશેષોને પ્રોસેસ કરીને મિથેન ગેસ બનાવાય છે, જે પરંપરાગત કુદરતી ગેસનો વિકલ્પ છે. તેનો ઉપયોગ વાહનોના ઇંધણ, કારખાનાં અને વાણિજ્યિક કાર્યોમાં થઈ શકે છે. તેનાથી ઝેરી વાયુઓનું ઉત્સર્જન ઘટે છે, અશ્મિભૂત ઇંધણની આયાત પરની નિર્ભરતા ઘટે છે, ગ્રામ્ય વિસ્તારોમાં આવકના નવા સાધનો ઊભા થાય છે અને બચેલો અવશેષ ઉચ્ચ ગુણવત્તાવાળા જૈવિક ખાતર તરીકે ખેતરોમાં ઉપયોગી થાય છે.
અનંત અંબાણીએ જણાવ્યું કે રાયલસીમા વિસ્તારમાં ₹40,000 કરોડના રોકાણથી 'રાયલસીમા હોર્ટિકલ્ચર હબ' સ્થાપવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ આ વિસ્તારમાં ટેક્નોલોજી આધારિત બાગાયત અને ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે કહ્યું કે આ હબ રાયલસીમા વિસ્તારના વિકાસમાં નવો સૂર્યોદય લાવશે.