સત્ય. સાહસ. સંકલ્પ.

રેખાના જીવનની કડવી સચ્ચાઈ: પિતાનો તિરસ્કાર, બે લગ્ન અને પતિના મોતનું કારણ

રેખાના જીવનની કડવી સચ્ચાઈ: પિતાનો તિરસ્કાર, બે લગ્ન અને પતિના મોતનું કારણ

મુંબઈ: હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી રેખાનું જીવન પડદા પર જેટલું ચમકદાર દેખાય છે, એટલું જ સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. 10 ઓક્ટોબર 1954ના રોજ જન્મેલા રેખાના જીવનમાં બાળપણથી જ અનેક ઉતાર-ચઢાવ આવ્યા. પિતા જેમિની ગણેશનનો અસ્વીકાર, પરિવારની આર્થિક મજબૂરી, કિશોરાવસ્થામાં ફિલ્મોમાં પ્રવેશ, અંગત સંબંધોની ચર્ચા અને પતિના આત્મહત્યાના આરોપો—આ બધાએ તેમના જીવનને ઊંડી અસર કરી.

રેખાનો જન્મ તમિલ સિનેમાના પ્રખ્યાત અભિનેતા જેમિની ગણેશન અને અભિનેત્રી પુષ્પવલ્લીના ઘરે થયો હતો. જોકે, પિતાની હાજરી તેમના બાળપણનો હિસ્સો બની શકી નહીં. સિમી ગરેવાલના શો 'રેન્ડેઝવૂ વિથ સિમી ગરેવાલ'માં રેખાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ખૂબ નાના હતાં, ત્યારે જ તેમના પિતા તેમના જીવનમાંથી ચાલ્યા ગયા હતા. તેમને યાદ પણ નહોતું કે પિતા ક્યારેય ઘરમાં રહ્યા હોય.

રેખા માટે પિતાની પહેલી યાદ પણ પિતા-પુત્રીના સંબંધ જેવી નહોતી. તેમના સાવકા ભાઈ-બહેનો એક જ સ્કૂલમાં ભણતા હતા. જેમિની ગણેશન ક્યારેક પોતાના બીજા બાળકોને સ્કૂલે મૂકવા આવતા. રેખાએ જણાવ્યું કે તેમને દૂરથી જોઈને મનમાં થયું, 'ઓહ, આ અપ્પા છે.' પરંતુ પિતાએ તેમને નોટિસ પણ ન કર્યા. રેખાના કહેવા પ્રમાણે, તેમને પિતાને મળવાની તક ક્યારેય મળી નહીં અને એવું લાગે છે કે પિતાએ તેમને જોયા પણ નહીં.

બાળપણમાં આ ઉણપને રેખાએ અંદર જ દબાવી દીધી. તેમણે કહ્યું કે એ ઉંમરે ધ્યાન હોમવર્ક અને નાની-નાની વસ્તુઓ પર હતું. પોતાની બહેન વધુ સુંદર હોવાની ચિંતા પણ રહેતી. મોટા થયા પછી તેમને સમજાયું કે પિતાની કમી અનુભવાઈ હતી. તેમણે કહ્યું, 'જ્યારે તમે કોઈ વસ્તુનો સ્વાદ જ ન ચાખ્યો હોય, તો ખબર નથી હોતી કે એ કેવી હોય છે.' તેમના માટે 'પિતા' શબ્દનો અર્થ જ સ્પષ્ટ નહોતો.

રેખાના બાળપણનો મોટો હિસ્સો નાની અને માસી સાથે વિત્યો, કારણ કે માતા શૂટિંગમાં વ્યસ્ત રહેતાં. તેમની પાસે કોઈ સ્થાયી પુરુષ રોલ મોડલ નહોતો. પાછળથી તેમણે ફિલ્મમેકર મોહન સહેગલને પોતાના જીવનના પહેલા ફાધર ફિગર ગણાવ્યા.

બાળપણ પૂરું થાય તે પહેલાં જ રેખા ફિલ્મોમાં ધકેલાયાં. તે અભિનેત્રી બનવા માંગતાં નહોતાં. એ ઉંમરે તેમનાં સપનાં સામાન્ય છોકરી જેવાં હતાં—પ્રેમ કરનારો જીવનસાથી, લગ્ન અને ઘણાં બાળકો. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિએ સપનાં પાછળ ધકેલી દીધા. ઘરમાં ઘણા બાળકોના ભણતર અને ખર્ચની જવાબદારી હતી. માતાએ સ્પષ્ટ કહ્યું કે કામ કરવું પડશે. રેખાએ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા ન હોવા છતાં સ્વીકાર્યું અને કહ્યું કે માત્ર એક ફિલ્મ કરશે—'અંજાના સફર'.

આ પછી જે થયું, તેણે તેમનું આખું જીવન બદલી નાખ્યું. શાળા છૂટી ગઈ અને કિશોરાવસ્થામાં જ તેઓ ફિલ્મ સ્ટુડિયોના ચક્કર લગાવવા લાગ્યાં. એક તરફ ઘરની આર્થિક જરૂરિયાત, બીજી તરફ ફિલ્મ ઉદ્યોગ અજાણી દુનિયા. રેખાએ શરૂઆતના દિવસોને યાદ કરતાં કહ્યું કે તેઓ એ માહોલ માટે તૈયાર નહોતાં. તેમને કામ કરવું પસંદ નહોતું અને ઘણીવાર સેટ પર જવાનું મન નહોતું થતું. પાછળથી તેમણે આ સમયને ખૂબ મુશ્કેલ ગણાવ્યો.

મુંબઈ અને ફિલ્મ ઉદ્યોગ તેમના માટે સુરક્ષિત જગ્યા નહોતી. નાની ઉંમરની છોકરી, જેને હિન્દી ભાષા પણ સરખી રીતે નહોતી આવડતી, અચાનક એવા માહોલમાં આવી ગઈ. આ બધા સંઘર્ષ વચ્ચે રેખાએ પોતાને સંભાળ્યા અને હિન્દી સિનેમામાં એક એવી ઓળખ બનાવી, જે આજે પણ અમર છે.