નવી દિલ્હી: દિલ્હીના બીકાનેર હાઉસમાં યોજાયેલા વિઝ્યુઅલ આર્ટિસ્ટ રેહાન વાડ્રાના ફોટો પ્રદર્શનમાંથી 70થી વધુ તસવીરો હટાવવામાં આવી છે. રેહાન પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના મોટા પુત્ર છે. તેમની સોલો એક્ઝિબિશન 'નો આઇડિયા ઇઝ ફાઇનલ' શરૂ થવાના થોડા કલાકો પહેલાં આ તસવીરો હટાવાઈ હતી.
રેહાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું કે પ્રદર્શનમાં પહેલાં 100થી વધુ તસવીરો હતી, હવે આશરે 40 તસવીરો બાકી છે. હટાવાયેલી તસવીરોમાં દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનોની તસવીરો પણ હતી.
રેહાને આરોપ લગાવ્યો કે તેમને રાજકીય વાતાવરણનું કારણ આપવામાં આવ્યું, જ્યારે તસવીરોમાં કોઈ રાજકીય સંદેશ નહોતો. તેમણે કહ્યું, "કલાકારોના કામને સેન્સર કરવામાં આવી રહ્યું છે." આ મામલે બીકાનેર હાઉસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
રેહાને જણાવ્યું કે બુધવારે બપોરે 3:30 વાગ્યે તેમને કહેવામાં આવ્યું હતું કે સાંજે 5 વાગ્યા સુધીમાં ફોટા નહીં હટાવવામાં આવે તો પ્રદર્શન રદ કરી દેવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્રે વર્તમાન રાજકીય વાતાવરણનો હવાલો આપીને પ્રદર્શનો સાથે જોડાયેલી તસવીરો સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રદર્શનનો પ્રસ્તાવ અને લેઆઉટ અગાઉથી જ મેનેજમેન્ટને આપી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે તસવીરો છેલ્લા 6 મહિનામાં થયેલા પ્રદર્શનોના દસ્તાવેજ હતા.
રેહાને કહ્યું, "મને ખબર નથી કે તેઓ શેનાથી ડરેલા છે અને તિરંગાની તસવીર સુધી હટાવવાની હદે પહોંચી ગયા, પરંતુ હું તિરંગાની તસવીરો નહીં હટાવું." તેમણે ઉમેર્યું કે પ્રદર્શન રવિવાર સુધી નક્કી કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે.
આ પગલાને રેહાનના માતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ હાસ્યાસ્પદ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ દેશભરના યુવાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ છે. પ્રિયંકાએ જણાવ્યું કે તેની તસવીરો પ્રદર્શનોની હતી, તેમાં કોઈ ટિપ્પણી કે અપમાનજનક વાત નહોતી. તે માત્ર પ્રદર્શનના દૃશ્યોના દસ્તાવેજ હતા.
રેહાનની ફોટો સિરીઝમાં દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનોનાં દૃશ્યો છે. તસવીરોમાં પોલીસકર્મીઓ દ્વારા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેતા અને પ્રદર્શન દરમિયાન સર્જાયેલા તણાવપૂર્ણ વાતાવરણને દર્શાવવામાં આવ્યું છે. એક તસવીરમાં રાહુલ ગાંધી પણ પ્રદર્શનકારીઓ વચ્ચે નજરે પડે છે. આ ફોટો 12 ઓક્ટોબરનો છે, જ્યારે રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોએ દિલ્હીમાં બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરી હતી.
આ પ્રદર્શનો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ના વિરોધમાં થયા હતા. વિપક્ષી પક્ષોએ ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ પર સવાલ ઉઠાવતાં SIRમાં કરાયેલા ફેરફારો પાછા ખેંચવાની માંગ કરી હતી.
ભારતમાં કલા પર રોક માત્ર કાયદા દ્વારા જ લાગતી નથી. ઘણીવાર સંસ્થાઓ અને બજારનું દબાણ પણ કલાકારોની સ્વતંત્રતાને અસર કરે છે. વિવાદથી બચવા માટે કેટલીક સંસ્થાઓ પોતે જ કલાકૃતિઓ હટાવી દે છે અથવા કલાકારો પોતાની વાત કહેવાનું ટાળે છે. ફિલ્મોની જેમ કલા પ્રદર્શનો માટે કોઈ કેન્દ્રીય સેન્સર બોર્ડ નથી. તેમ છતાં, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અથવા અશ્લીલતાના આરોપમાં કલાકારોને કાનૂની કાર્યવાહી અને વિરોધનો સામનો કરવો પડી શકે છે.
ભારતીય બંધારણની કલમ 19(1)(a) હેઠળ કલાકારોને પોતાની વાત કહેવાની અને વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, પરંતુ આ સ્વતંત્રતાની પણ કેટલીક મર્યાદાઓ છે. કલમ 19(2) હેઠળ દેશની સુરક્ષા, શાંતિ-વ્યવસ્થા અને નૈતિકતા જેવા કારણોસર સરકાર તેના પર યોગ્ય પ્રતિબંધો લગાવી શકે છે.