ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 15 સપ્ટેમ્બરે વેરિયેબલ રેટ રિવર્સ રેપો (VRRR) નિલામી દ્વારા બેંકિંગ સિસ્ટમમાંથી રૂ. 3,93,352 કરોડની વધારાની રોકડ પાછી ખેંચી છે. RBIએ રૂ. 5 લાખ કરોડની જાહેરાત કરેલી રકમ સામે આટલી બોલી મળી હતી, જે 5.24 ટકાના કટ-ઓફ રેટ પર સ્વીકારવામાં આવી.
આ પગલાનો હેતુ બેંકિંગ સિસ્ટમમાં પડેલી સરપ્લસ લિક્વિડિટી પાછી ખેંચવાનો અને ઓવરનાઈટ મની માર્કેટના વ્યાજદરને રેપો રેટની સમકક્ષ લાવવાનો છે. એક અંદાજ મુજબ, 11 સપ્ટેમ્બર સુધી બેંકિંગ સિસ્ટમમાં આશરે રૂ. 10.73 લાખ કરોડની વધારાની રોકડ હતી.
VRRR નિલામી ઉપરાંત RBIએ સરકારી જામીનગીરીઓના વેચાણ માટે ગયા અઠવાડિયે રૂ. 1 લાખ કરોડના ઓપન માર્કેટ ઓપરેશનની પણ જાહેરાત કરી છે. આ ઓપરેશન ત્રણ તબક્કામાં થશે, જેમાંથી પહેલું ઓક્શન 17 સપ્ટેમ્બરે યોજાશે.
VRRR નિલામી શું છે?
સાદી ભાષામાં સમજીએ તો, આપણે આપણી વધારાની બચત બેંકમાં જમા કરાવીએ છીએ અને બેંક તેના પર વ્યાજ આપે છે. એ જ રીતે, SBI, HDFC સહિતની બેંકો પાસે વધારાનું ભંડોળ જમા થાય ત્યારે તેઓ તે રકમ સુરક્ષિત રીતે RBI પાસે જમા કરાવે છે અને વ્યાજ કમાય છે.
VRRR એ એવી વ્યવસ્થા છે, જેના દ્વારા RBI વિવિધ બેંકો પાસેથી ટૂંકા ગાળા (1 થી 14 દિવસ) માટે વ્યાજ દરે વધારાના પૈસા ઉધાર લે છે. આમાં વ્યાજનો દર અગાઉથી નક્કી હોવાને બદલે બોલી દ્વારા નક્કી થાય છે.
RBI આમ કેમ કરે છે?
જો બજારમાં બેંકો પાસે વધારે પડતા પૈસા પડ્યા રહે, તો લોન સસ્તી થાય અને મની સપ્લાય વધે, જેનાથી મોંઘવારી વધી શકે છે. આથી RBI વધારાની રોકડ પાછી ખેંચીને ફુગાવો નિયંત્રણમાં રાખે છે અને બજારમાં પૈસાના સપ્લાય અને માંગ વચ્ચે સંતુલન જાળવે છે.