રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના સપ્ટેમ્બર 2026ના ગ્રાહક વિશ્વાસ સર્વે અનુસાર, દેશના 54.50%થી વધુ શહેરી પરિવારો માને છે કે છેલ્લા એક વર્ષમાં તેમની આર્થિક સ્થિતિ કથળી છે. આ આંકડો જુલાઈ 2026માં 50.50% અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 40.90% હતો, જે દર્શાવે છે કે લોકોની આર્થિક ચિંતા સતત વધી રહી છે.
સર્વેમાં ભાગ લેનારામાંથી માત્ર 25.30% લોકોએ જ આર્થિક સ્થિતિ સુધરી હોવાનું જણાવ્યું, જે જુલાઈમાં 27.10% હતું. RBIનો વર્તમાન પરિસ્થિતિ ઈન્ડેક્સ (CSI) સપ્ટેમ્બરમાં 87.90 રહ્યો, જે જુલાઈમાં 88.30 હતો. આ ઘટાડો ગ્રાહકોના નબળા પડતા વિશ્વાસને દર્શાવે છે.
આગામી 12 મહિનાના આઉટલુકમાં પણ ચિંતાના સંકેત છે. ફ્યુચર એક્સપેક્ટેશન ઈન્ડેક્સ (FEI) જુલાઈમાં 115.30 હતો, જે સપ્ટેમ્બરમાં ઘટીને 113.50 થયો છે. રોજગાર અને ફુગાવો ચિંતાના મુખ્ય મુદ્દા છે.
સર્વે મુજબ, 50% લોકોએ છેલ્લા એક વર્ષમાં રોજગારની સ્થિતિ કથળી હોવાનું જણાવ્યું, જ્યારે 35.50% લોકોએ આગામી 12 મહિનામાં રોજગાર વધુ ખરાબ થવાની ધારણા વ્યક્ત કરી. ભાવવધારા અંગે 95% લોકોએ છેલ્લા એક વર્ષમાં ભાવ વધ્યા હોવાનું કહ્યું, અને 84.30% લોકો ભાવ વધુ વધશે તેવું માને છે.
જોકે, આ બધી ચિંતાઓ વચ્ચે આવક અને ખર્ચ અંગે પરિવારોનું વલણ હજુ પણ આશાવાદી છે. RBIએ જણાવ્યું કે આર્થિક સ્થિતિ, રોજગાર અને ભાવવધારા અંગેની ચિંતાઓ છતાં ઉપભોગ માનસ પોઝિટિવ છે.