અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. શુક્રવારે રૂપિયો 96.73ના સ્તરે બંધ થયો, જે તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તર 96.96ની ખૂબ નજીક છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)એ શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. તેનો હેતુ રૂપિયામાં થતી સટ્ટાખોરી રોકવાનો અને ઓઇલ કંપનીઓની ડોલરની જરૂરિયાત સરળતાથી પૂરી કરવાનો છે.
RBIએ ચાર મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી છે:
1. ઓઇલ કંપનીઓ માટે ખાસ ડોલર વિન્ડો: સોમવાર, 12 ઓક્ટોબર 2026થી અમલમાં આવતી આ વ્યવસ્થા હેઠળ RBI અધિકૃત બૅન્કો દ્વારા સરકારી ઓઇલ કંપનીઓ IOCL, HPCL અને BPCLને તેમની રોજિંદી જરૂરિયાત મુજબ ડોલર પૂરા પાડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ખરીદી મુખ્યત્વે ડોલરમાં થાય છે, તેથી આ કંપનીઓને ખુલ્લા બજારમાંથી ડોલર ખરીદવાની ફરજ નહીં પડે. તેનાથી ડોલરની માંગ પરનું દબાણ ઘટશે. આ સુવિધા આગળના આદેશ સુધી ચાલુ રહેશે.
2. ફોરેક્સ ડેરિવેટિવ્ઝની મર્યાદા ઘટાડી: વિદેશી ચલણ ડેરિવેટિવ ટ્રેડિંગની મર્યાદા 100 મિલિયન ડોલરથી ઘટાડીને માત્ર 5 મિલિયન ડોલર કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે મોટા પાયે સટ્ટાકીય ટ્રેડિંગ કરી શકાશે નહીં.
3. 20% ફોરેક્સ રિસ્ક રિઝર્વ (FERR): 20 લાખ ડોલરથી વધુના કરારો માટે રજિસ્ટર્ડ ડીલરોએ ટ્રાન્ઝેક્શનના મૂલ્યના 20% જેટલી રોકડ રકમ RBI પાસે અનામત તરીકે રાખવી પડશે. આનાથી જોખમી સોદા ઘટશે.
4. ડબલ હેજિંગ સામે કડક દસ્તાવેજીકરણ: એક જ જોખમ સામે બે અલગ-અલગ ડીલરો પાસેથી હેજિંગ (ડબલ હેજિંગ) ન થાય તે માટે ગ્રાહકો પાસેથી લેખિત વચનપત્ર લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
નિષ્ણાતોના મતે આ પગલાંથી ડોલરની સટ્ટાકીય માંગમાં ઘટાડો થશે અને ટૂંકા ગાળામાં રૂપિયાની અસ્થિરતામાંથી રાહત મળી શકે છે. જોકે, રૂપિયાનું ભવિષ્ય આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, વિદેશી રોકાણ અને વૈશ્વિક બજારના વલણ પર નિર્ભર રહેશે.
ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર (ફોરેક્સ રિઝર્વ) 12.95 અબજ ડોલર ઘટીને 734.60 અબજ ડોલર થયો હતો.