ઘર, કાર કે બાળકોના અભ્યાસ માટે બેંકમાંથી લોન લેનારા લોકો માટે એક ચેતવણીની જાણકારી સામે આવી છે. દર મહિને ચૂકવવામાં આવતી EMI પહેલેથી જ ઘરના બજેટ પર ભાર રૂપ હોય છે. જો વ્યાજ દરોમાં થોડો પણ ફેરફાર થાય તો તેની સીધી અસર લોન લેનારાના ખિસ્સા પર પડે છે. SBI રિસર્ચના એક અહેવાલ મુજબ, RBI ઓક્ટોબરમાં રેપો રેટ વધારી શકે છે, જેની અસર બેંકમાંથી લોન લેનારાઓ પર પણ પડી શકે છે.
SBI રિસર્ચની ઈકોવ્રેપ રિપોર્ટ અનુસાર, RBI ઓક્ટોબરમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરી શકે છે. આ સાથે ડિસેમ્બરમાં પણ 25 બેસિસ પોઈન્ટ્સના વધારાનું અનુમાન છે. એટલે કે ડિસેમ્બર સુધીમાં રેપો રેટમાં કુલ 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો થઈ શકે છે.
મિડલ ઈસ્ટમાં વધેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલથી વધુ થઈ ગઈ છે. જો ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો ન થાય તો આવનારા સમયમાં મોંઘવારી વધી શકે છે.
જો RBI ઓક્ટોબરમાં રેપો રેટ વધારે છે તો બેંકો પણ લોનના વ્યાજ દર વધારી શકે છે. જે લોકોએ ફ્લોટિંગ રેટ પર લોન લીધી છે, તેમની EMIમાં ફેરફાર થઈ શકે છે. અત્યારે જે EMI ચૂકવાઈ રહી છે તેના કરતાં વધુ રકમ ચૂકવવી પડી શકે છે. જોકે EMIમાં કેટલો વધારો થશે તે બેંકના વ્યાજ દરમાં થતા ફેરફાર પર નિર્ભર રહેશે.
SBI રિસર્ચના જણાવ્યા અનુસાર, જો ક્રૂડ ઓઈલની કિંમતો ઊંચી રહે છે તો ઓક્ટોબર-નવેમ્બરમાં મોંઘવારી 6.5 ટકા કે તેનાથી વધુ થઈ શકે છે. મોંઘવારીને નિયંત્રિત કરવા RBI પગલાં લઈ શકે છે.
લોન લેનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે રેપો રેટમાં વધારો થાય તો ફ્લોટિંગ રેટ પર લીધેલી લોનની EMI વધી શકે છે. તેથી માસિક બજેટમાં થોડી વધારાની જગ્યા રાખવી ઉચિત છે.