સત્ય. સાહસ. સંકલ્પ.

RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધાર્યો: FD પર વધુ વ્યાજ મળવાની આશા, લોન લેનારા માટે ખર્ચ વધશે

RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધાર્યો: FD પર વધુ વ્યાજ મળવાની આશા, લોન લેનારા માટે ખર્ચ વધશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ 7 ઓક્ટોબરે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા સાથે રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરી 2023 પછી RBIએ પહેલીવાર રેપો રેટ વધાર્યો છે.

રેપો રેટ એ દર છે, જેના પર RBI બેંકોને ટૂંકા ગાળા માટે લોન આપે છે. બેંકોના ઘણા વ્યાજદર આ રેપો રેટ સાથે જોડાયેલા હોય છે. તેથી રેપો રેટ વધે ત્યારે બેંકોના વ્યાજદરમાં પણ વધારો થવાની શક્યતા રહે છે.

FD કરાવનારા માટે ફાયદો

બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવનારા લોકો માટે આ સારા સમાચાર ગણાય. રેપો રેટ વધતાં બેંકો FD પર વધુ વ્યાજ આપી શકે છે. જોકે, આ અસર તરત જ દેખાય એ જરૂરી નથી.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રેપો રેટ વધ્યા પછી બેંકો FD પર વ્યાજદર વધારવામાં થોડો સમય લે છે. બેંકો પોતાની ડિપોઝિટની જરૂરિયાત, લોનની માંગ અને એસેટ ક્વોલિટીનું મૂલ્યાંકન કર્યા પછી જ FDના વ્યાજદરમાં ફેરફાર કરે છે. તેથી નવા વ્યાજદર જાહેર થવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે.

લોન લેનારા માટે ખર્ચ વધશે

બીજી તરફ, હોમ લોન કે કાર લોન લેનારા લોકો માટે આ નિર્ણય મોંઘો સાબિત થઈ શકે છે. જે લોનના વ્યાજદર રેપો રેટ સાથે જોડાયેલા છે, તેમનો EMI વધી શકે છે. RBIએ ચેતવણી આપી છે કે મોંઘવારી હજુ વધી શકે છે, જેના કારણે લોન લેવી અને ચૂકવવી બંને મોંઘી થઈ શકે છે.

હાલ કઈ બેંકમાં કેટલું વ્યાજ?

હાલમાં મોટાભાગની સરકારી બેંકો FD પર 6.30 ટકાથી 6.65 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. ખાનગી અને નાની ફાઇનાન્સ બેંકો થોડું વધુ વ્યાજ આપે છે. લગભગ તમામ બેંકો વરિશ્ઠ નાગરિકોને સામાન્ય રોકાણકારો કરતાં વધુ વ્યાજ આપે છે. FDની અવધિ પ્રમાણે પણ વ્યાજદરમાં તફાવત રહે છે.

સૌથી વધુ વ્યાજ આપતી બેંકોમાં સ્મોલ ફાઇનાન્સ બેંકો આગળ છે. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક વરિશ્ઠ નાગરિકોને 8.50 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

ખાનગી બેંકોમાં DCB બેંક વરિશ્ઠ નાગરિકોને 8 ટકા સુધીનું વ્યાજ આપે છે. બંધન બેંકમાં આ દર 7.95 ટકા છે, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક અને યસ બેંકમાં 7.75 ટકા સુધીનું વ્યાજ મળે છે. IDFC ફર્સ્ટ બેંક 7.35 ટકા, કોટક મહિન્દ્રા બેંક 7.15 ટકા અને HDFC બેંક તથા ICICI બેંક 7.10 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

સરકારી બેંકોમાં બેંક ઓફ ઇન્ડિયાનો મહત્તમ વ્યાજદર 7.45 ટકા છે. બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 7.25 ટકા સુધી વ્યાજ આપે છે. ઇન્ડિયન બેંકમાં 7.15 ટકા, જ્યારે કેનરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને પંજાબ નેશનલ બેંકમાં 7.10 ટકા સુધીનો દર છે. SBI અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મહત્તમ વ્યાજ 7.05 ટકા સુધી છે.

નવી FD કરાવતા પહેલાં શું ધ્યાન રાખવું?

જો તમે નવી FD કરાવવાનું વિચારી રહ્યા છો, તો થોડો સમય રાહ જોવી યોગ્ય ગણાય. કારણ કે રેપો રેટ વધ્યા પછી બેંકોને નવા વ્યાજદર જાહેર કરવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે. બેંકોના નવા દર જોયા પછી જ FD કરવાનો નિર્ણય લેવો સારો રહે છે. FDના વ્યાજદરમાં થોડો તફાવત પણ મોટી રકમ પર મોટું વળતર આપી શકે છે.

ચાલુ FD પર શું અસર?

જેમની FD પહેલેથી ચાલી રહી છે, તેમની ચિંતા કરવાની જરૂર નથી. તેમને પહેલેથી નક્કી કરાયેલા દર પ્રમાણે જ વ્યાજ મળતું રહેશે. પરંતુ નવા રોકાણ અથવા રિન્યુઅલ માટે આ સમય અનુકૂળ ગણાય છે.

નિષ્ણાતો ‘લેડરિંગ’ પદ્ધતિ અપનાવવાની સલાહ આપે છે. લેડરિંગનો અર્થ એ છે કે તમારી બધી રકમ એક જ મોટી FDમાં ન રોકો. તેના બદલે કુલ રકમને નાના હિસ્સામાં વહેંચીને અલગ-અલગ સમયે મેચ્યોર થતી FDમાં રોકાણ કરો. તેનાથી કેટલીક FD નિયમિત સમયાંતરે પૂર્ણ થતી રહેશે અને મેચ્યોર થયેલી રકમ તે સમયના વધેલા વ્યાજદરે ફરી રોકી શકાશે. કોઈ ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડે તો પણ રકમ ઉપલબ્ધ રહેશે.