રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટીએ ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ સાથે નવો રેપો રેટ 5.25% થી વધીને 5.50% થયો છે. આશરે સાડા ત્રણ વર્ષ બાદ વ્યાજદરમાં પહેલી વાર વધારો થયો છે. અગાઉની ત્રણ બેઠકોમાં રેપો રેટ યથાવત્ રાખવામાં આવ્યો હતો.
ઊંચા ફુગાવો, રૂપિયામાં નબળાઈ, ઊંચા વૈશ્વિક બોન્ડ યીલ્ડસ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળો જેવા કારણોસર આ નિર્ણય લેવાયો છે. એમપીસીની ઓગસ્ટની બેઠક બાદ ફુગાવામાં વધારો થયો છે અને ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ ફરી 100 ડોલરની નજીક પહોંચી ગયો છે. દેશમાં ફુગાવો હાલમાં પાંચ ટકાની નજીક છે અને ટૂંક સમયમાં RBIની છ ટકાની મહત્તમ મર્યાદા સુધી પહોંચવાની શક્યતા છે.
ઊંચા ફુગાવાને કારણે એશિયાના અન્ય દેશોએ પણ તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે. RBIએ ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સ જાળવી રાખીને ભવિષ્યમાં પણ રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2023માં RBIએ રેપો રેટ 6.50% કર્યો હતો, ત્યાર બાદ તેમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
આ નિર્ણયની સીધી અસર સામાન્ય લોકોના હોમ લોનના EMI અને FDના વળતર પર થશે. હોમ લોનના EMI વધી શકે છે, જ્યારે FD પર વધુ વળતર મળવાની શક્યતા છે.