સત્ય. સાહસ. સંકલ્પ.

UPI બંધ થવાનો ખતરો: 15 સપ્ટેમ્બર સુધી રી-KYC ન થાય તો લાખો દુકાનદારોને ફટકો

UPI બંધ થવાનો ખતરો: 15 સપ્ટેમ્બર સુધી રી-KYC ન થાય તો લાખો દુકાનદારોને ફટકો

નવી દિલ્હી: ઓનલાઈન પેમેન્ટ સેવા આપતી કંપનીઓએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસે દુકાનદારોની રી-KYC (રિ-નો યોર કસ્ટમર) માટે નિર્ધારિત 15 સપ્ટેમ્બરની છેલ્લી તારીખ લંબાવવાની માગ કરી છે. કંપનીઓનું કહેવું છે કે દેશભરમાં લાખો નાના-મોટા દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓનું વેરિફિકેશન હજુ પૂર્ણ થયું નથી. જો RBI સમયમર્યાદા નહીં વધારે, તો આ દુકાનદારોની UPI અને કાર્ડ પેમેન્ટ સિસ્ટમ બંધ થઈ શકે છે.

આ મામલાને સમજવા માટે અહીં 10 સવાલ-જવાબ આપ્યા છે:

સવાલ 1: મામલો શું છે અને પેમેન્ટ એગ્રીગેટર્સે RBI પાસેથી શું માંગ કરી છે?

જવાબ: Paytm અને PhonePe જેવી ઓનલાઈન પેમેન્ટ કંપનીઓએ RBIને અપીલ કરી છે કે દુકાનદારોની રી-KYC માટેની 15 સપ્ટેમ્બરની સમયમર્યાદા લંબાવવામાં આવે. તેમનું કહેવું છે કે હજુ લાખો દુકાનદારોનું વેરિફિકેશન બાકી છે, જે આ તારીખ સુધીમાં પૂરું કરવું અશક્ય છે.

સવાલ 2: જો ડેડલાઇન નહીં વધે, તો તેની શું અસર થશે?

જવાબ: જે દુકાનદારોની રી-KYC 15 સપ્ટેમ્બર સુધીમાં નહીં થાય, તેમના મર્ચન્ટ એકાઉન્ટ્સ અસ્થાયી રૂપે બ્લોક થઈ શકે છે. આનાથી ગ્રાહકોને દુકાનો, લારીઓ કે ઓનલાઈન ખરીદીમાં UPI કે કાર્ડથી પેમેન્ટ કરવામાં તકલીફ પડશે.

સવાલ 3: કેટલા મર્ચન્ટ્સ પર સીધી અસર પડવાની શક્યતા છે?

જવાબ: અંદાજ મુજબ, QR કોડનો ઉપયોગ કરતા લગભગ 30%થી 35% નાના અને લારી-ગલ્લાવાળા દુકાનદારો પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત લગભગ 10 લાખ નાના ઓનલાઈન વેપારીઓની પેમેન્ટ સિસ્ટમ પણ બંધ થઈ શકે છે.

સવાલ 4: ઓફલાઇન મર્ચન્ટ્સના વેરિફિકેશનમાં કઈ સમસ્યાઓ આવી રહી છે?

જવાબ: મોટાભાગના નાના દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓ પાસે પૂરતા દસ્તાવેજ નથી. અધિકારીઓને દુકાન પર જઈને ચકાસણી કરવાની શરતને કારણે તેમની સુધી પહોંચવું અને કાગળો એકઠા કરવા મુશ્કેલ બની રહ્યું છે.

સવાલ 5: રી-KYC શું છે અને તે કેમ જરૂરી છે?

જવાબ: KYC એટલે ગ્રાહક અથવા દુકાનદારની ઓળખ અને સરનામાની ચકાસણી. રી-KYC એ જ ચકાસણીને સમયાંતરે અપડેટ કરવાની પ્રક્રિયા છે. છેતરપિંડી, બનાવટી અને કાળા નાણાના વ્યવહારો અટકાવવા માટે આવું કરવું જરૂરી છે, જેથી પેમેન્ટ સિસ્ટમ સુરક્ષિત રહે.

સવાલ 6: આ બેકલોગ કેમ સર્જાયો?

જવાબ: RBIએ સપ્ટેમ્બર 2025માં પેમેન્ટ કંપનીઓ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી, જેમાં રી-KYC પૂરું કરવા માટે એક વર્ષનો સમય આપ્યો હતો. પરંતુ ઘણી કંપનીઓએ કામ છેલ્લી ઘડી સુધી મુલતવી રાખ્યું, જેના કારણે હવે આટલો મોટો બેકલોગ સર્જાયો છે.

સવાલ 7: કંપનીઓને કર્મચારીઓની સમસ્યાનો સામનો કેમ કરવો પડી રહ્યો છે?

જવાબ: RBIના નિયમ મુજબ, દુકાન પર જઈને વેરિફિકેશન ફક્ત પેમેન્ટ કંપનીનો પોતાનો કાયમી કર્મચારી જ કરી શકે છે, બહારની એજન્સીને આ કામ સોંપી શકાતું નથી. કંપનીઓએ કર્મચારીઓની સંખ્યા વધારી છે, પણ દુકાનદારોની સંખ્યા એટલી મોટી છે કે સ્ટાફ ઓછો પડી રહ્યો છે.

સવાલ 8: શું સમયમર્યાદામાં કામ પૂરું થવાની શક્યતા છે?

જવાબ: મોટાભાગની કંપનીઓનો અંદાજ છે કે તેઓ 15 સપ્ટેમ્બર સુધીમાં ફક્ત 80% કામ પૂરું કરી શકશે. બાકીના 20% દુકાનદારો માટે વધુ સમયની જરૂર પડશે.

સવાલ 9: શું આનાથી દેશના ડિજિટલ પેમેન્ટ પર મોટી અસર પડશે?

જવાબ: અસરગ્રસ્ત દુકાનદારોની સંખ્યા મોટી છે, પણ કુલ ડિજિટલ પેમેન્ટના વ્યવહારોમાં તેમનો હિસ્સો ઓછો છે. તેથી દેશની એકંદર પેમેન્ટ સિસ્ટમ પર મોટી અસર નહીં પડે, પણ સામાન્ય લોકોની દૈનિક ખરીદી અને નાના વેપારીઓના વેચાણ પર અસર થશે.

સવાલ 10: પેમેન્ટ ઇન્ડસ્ટ્રીને RBI પાસેથી શું અપેક્ષા છે?

જવાબ: કંપનીઓને આશા છે કે RBI તેમની વ્યવહારિક મુશ્કેલીઓ સમજશે અને સમયમર્યાદા વધારશે, જેથી પેમેન્ટ ઇકોસિસ્ટમમાં કોઈ અવરોધ ન આવે.