ભારતીય રિઝર્વ બેંક (RBI) ચલણી નોટોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એપ્રિલ 2027થી ₹10 અને ₹20ની પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટ બજારમાં આવી શકે છે. RBI 1 એપ્રિલ 2027થી આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીમાં છે.
આ પ્રોજેક્ટ હેઠળ ₹10ની 1 અબજ નોટ અને ₹20ની 1 અબજ નોટ, એમ કુલ 2 અબજ પોલિમર નોટ ટ્રાયલ માટે બજારમાં મૂકવામાં આવશે. નવી નોટની સાઇઝ હાલની કાગળની નોટ જેટલી જ રાખવામાં આવશે.
નોટની સાઇઝમાં ફેરફાર ન થવાથી બેંકોને ફાયદો થશે. એક સરકારી બેંકના વરિષ્ઠ અધિકારીએ મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે નોટની સાઇઝ સમાન રહેવાથી ATM મશીનોને ફરીથી ગોઠવવાનો ખર્ચ બચશે. ઉપરાંત, નાના મૂલ્યની નોટથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ થતો હોવાથી પણ ખર્ચમાં બચત થશે.
RBIનો આ પ્રોજેક્ટ માત્ર ફિલ્ડ ટ્રાયલ પૂરતો રહેશે. એટલે કે નવી પ્લાસ્ટિક નોટની સાથે હાલની કાગળની નોટ પણ બજારમાં ચલણમાં રહેશે. જૂની ₹10 અને ₹20ની નોટ સંપૂર્ણપણે માન્ય રહેશે.
બીજી તરફ સોશિયલ મીડિયા પર ₹1,000ની નવી પ્લાસ્ટિક નોટની તસવીરો અને પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે RBIએ ₹1,000ની નવી પોલિમર નોટ બહાર પાડી છે. જોકે, ભારત સરકારની સત્તાવાર એજન્સી PIB ફેક્ટચેકે આ દાવાને ખોટો ગણાવ્યો છે.
RBIએ પણ સ્પષ્ટતા કરી છે કે હાલમાં મોટા મૂલ્યની પોલિમર નોટ લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થતા ₹1,000ની પ્લાસ્ટિક નોટના દાવા પર વિશ્વાસ કરવો નહીં.
નવી નોટ અથવા નાણાકીય નીતિમાં ફેરફાર અંગે RBI સામાન્ય રીતે પોતાની સત્તાવાર વેબસાઇટ કે પ્રેસ રિલીઝ દ્વારા માહિતી આપે છે. તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થતા સંદેશ કે તસવીરોને સત્ય માનતાં પહેલાં તેની ખરાઈ કરવી જરૂરી છે.