દેશમાં ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ વધ્યો છે. ઘણા લોકો રોકડ કરતાં ડિજિટલ પેમેન્ટને પસંદ કરે છે. જો તમે પણ Paytm વોલેટનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm ની પેટાકંપની Paytm Payments Services Limited (PPSL) ને ડિજિટલ વોલેટ સેવા શરૂ કરવા માટે પ્રારંભિક મંજૂરી આપી છે. આ મંજૂરી 13 નવેમ્બરના રોજ આપવામાં આવી હતી. Paytm ની પેરન્ટ કંપની One97 Communications એ સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણ કરી છે.
જોકે, આ પ્રારંભિક મંજૂરીનો અર્થ એ નથી કે વોલેટ સેવા તાત્કાલિક શરૂ થઈ જશે. કંપનીએ હજુ RBI પાસેથી અંતિમ મંજૂરી, જેને સર્ટિફિકેટ ઓફ ઓથોરાઈઝેશન કહેવાય છે, તે મેળવવાની બાકી છે. આ અંતિમ મંજૂરી મળ્યા પછી જ કંપની ગ્રાહકોને વોલેટ સેવા આપી શકશે.
કંપનીએ RBI ના ઓગસ્ટ 2021 ના નિયમો અને તેમાં સમયાંતરે કરવામાં આવેલા ફેરફારોનું પાલન કરવું પડશે. તેથી Paytm યુઝર્સે હજુ થોડી રાહ જોવી પડશે. ત્યાં સુધી તમે અન્ય પેમેન્ટ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. કંપની તરફથી આવતા સત્તાવાર અપડેટ્સ પર નજર રાખો.