સત્ય. સાહસ. સંકલ્પ.

RBIનો મોટો નિર્ણય: બેંક ખાતા વિના પણ ₹50,000 સુધી NEFT અને ₹10,000 રોકડ ટ્રાન્સફર

RBIનો મોટો નિર્ણય: બેંક ખાતા વિના પણ ₹50,000 સુધી NEFT અને ₹10,000 રોકડ ટ્રાન્સફર

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ દેશમાં પૈસા મોકલવાના નિયમોને વધુ સરળ બનાવ્યા છે. નવા નિયમો હેઠળ, જે વ્યક્તિનું બેંક ખાતું નથી, તે પણ શાખામાં જઈને NEFT દ્વારા એક વખતમાં ₹50,000 સુધીની રકમ બીજા કોઈના ખાતામાં ટ્રાન્સફર કરી શકશે.

આ ઉપરાંત, કોઈ વ્યક્તિ સીધા રોકડ રૂપે પૈસા મોકલી શકશે. એક વખતમાં વધુમાં વધુ ₹10,000 અને એક મહિનામાં મહત્તમ ₹25,000 સુધી રોકડ ટ્રાન્સફર કરી શકાશે.

RBIના નવા નિયમો હેઠળ, બેંક ખાતું ધરાવતા લોકો પોતાના ખાતામાંથી સીધા એવા વ્યક્તિને પૈસા મોકલી શકશે જેનું પોતાનું બેંક ખાતું નથી. પૈસા મેળવનાર વ્યક્તિ આ રકમ કોઈપણ ATM અથવા બેંકના એજન્ટ (બિઝનેસ કોરસ્પોન્ડન્ટ) પાસેથી રોકડ સ્વરૂપે મેળવી શકશે. આ સેવા ખાસ કરીને ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે ઉપયોગી સાબિત થશે, જ્યાં બેંક શાખા નથી.

બેંક એજન્ટ અથવા ATM દ્વારા પૈસા મોકલવાના નિયમો પણ RBIએ સ્પષ્ટ કર્યા છે. જો તમે આ માધ્યમથી કોઈના ખાતામાં પૈસા મોકલો છો, તો એક વખતમાં વધુમાં વધુ ₹5,000 અને એક મહિનામાં મહત્તમ ₹25,000 સુધી ટ્રાન્સફર કરી શકાશે.

RBIએ જણાવ્યું છે કે, આ નવા નિયમો હેઠળ ફંડ ટ્રાન્સફર રિયલ-ટાઇમમાં થશે. એટલે કે, પૈસા મોકલતાં જ તરત જ સામેની વ્યક્તિના ખાતામાં જમા થઈ જશે અથવા રોકડ મેળવવા માટે ઉપલબ્ધ થશે. કોઈ વિલંબની જરૂર નહીં પડે.

બિઝનેસ કોરસ્પોન્ડન્ટ શું છે? બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એ બેંક દ્વારા નિયુક્ત પ્રતિનિધિ અથવા એજન્ટ હોય છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ખાતું ખોલાવવા, રોકડ જમા કરાવવા અને પૈસા મોકલવા જેવી મૂળભૂત બેંકિંગ સેવાઓ ઘર-ઘર અથવા નજીકના કેન્દ્ર પર પૂરી પાડે છે.