સત્ય. સાહસ. સંકલ્પ.

1 ઓક્ટોબર 2026થી FDના નવા નિયમો લાગુ: રિઝર્વ બેંકના નિર્ણયની રોકાણકારો પર શું અસર?

1 ઓક્ટોબર 2026થી FDના નવા નિયમો લાગુ: રિઝર્વ બેંકના નિર્ણયની રોકાણકારો પર શું અસર?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર, 2026થી દેશભરમાં લાગુ થશે. તેનો હેતુ બેંકિંગ વ્યવહારમાં પારદર્શિતા વધારવો અને ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપવાનો છે.

તમામ શાખાઓમાં એકસરખો વ્યાજ દર

અત્યાર સુધી એક જ બેંકની જુદી-જુદી શાખાઓમાં ગ્રાહક સાથેના સંબંધ કે વાટાઘાટના આધારે વ્યાજ દરમાં તફાવત જોવા મળતો હતો. હવે નવા નિયમ મુજબ દેશભરની તમામ શાખાઓમાં એકરૂપતા રાખવી ફરજિયાત બનશે. એટલે કે, કોઈ ગ્રાહક એક જ દિવસે, સમાન રકમ અને સમાન સમયગાળા માટે કોઈ પણ શાખામાં FD કરાવે તો તેને એકસરખું જ વ્યાજ મળશે. બેંકો હવે સમાન થાપણો પર ગ્રાહકો સાથે કોઈ ભેદભાવ કરી શકશે નહીં.

વેબસાઇટ પર વ્યાજ દરોની અગાઉથી જાહેરાત

વ્યાજ દરોમાં પારદર્શિતા લાવવા માટે રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું છે કે બેંકોએ તેમના તમામ વ્યાજ દરો અગાઉથી પોતાની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવા પડશે. તેનો સીધો ફાયદો સામાન્ય રોકાણકારોને થશે. વ્યાજ દર જાણવા કે ખાતરી કરવા માટે ગ્રાહકોએ બેંકની શાખાના ધક્કા ખાવા પડશે નહીં. વેબસાઇટ પર દર્શાવેલા દરો જ અંતિમ અને અધિકૃત ગણાશે.

બલ્ક ડિપોઝિટ માટે નવા નિયમો

મોટા રોકાણકારો અને કોર્પોરેટ ગ્રાહકો માટે પણ નિયમોમાં ફેરફાર થયો છે. રિઝર્વ બેંકે 3 કરોડ રૂપિયા કે તેથી વધુની રકમને બલ્ક ડિપોઝિટ ગણાવી છે. નવા LCR (લિક્વિડિટી કવરેજ રેશિયો) ફ્રેમવર્ક હેઠળ બેંકોએ દરરોજ સવારે 10:00 વાગ્યા સુધીમાં પોતાના બલ્ક FD દરો વેબસાઇટ પર અપલોડ કરવા પડશે. આ માટે બેંકોને 10:10 વાગ્યા સુધીનો 10 મિનિટનો ગ્રેસ પીરિયડ પણ મળશે. જોકે, પોતાની લિક્વિડિટીના જોખમને ધ્યાનમાં રાખીને બેંકોને જુદી-જુદી બલ્ક ડિપોઝિટ માટે અલગ વ્યાજ દરો નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે. આ નિયમો NRI રૂપિયા ડિપોઝિટ પર પણ લાગુ પડશે.

જૂની FD પર શું અસર થશે?

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે 1 ઓક્ટોબર, 2026 પહેલાં કરાવેલી FD પર આ નવા નિયમોની કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં. FD પાકશે ત્યાં સુધી અગાઉ નક્કી થયેલો નિશ્ચિત વ્યાજ દર જ મળતો રહેશે. રિઝર્વ બેંકના આ નિર્ણયથી FDના વ્યાજ દરોમાં સીધો વધારો કે ઘટાડો થતો નથી; બેંકો બજારની સ્થિતિ અને ભંડોળના ખર્ચના આધારે જ પોતાના દરો નક્કી કરશે.

આ નવી માર્ગદર્શિકા તમામ વાણિજ્યિક બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs), સ્થાનિક વિસ્તારની બેંકો, પેમેન્ટ બેંકો અને શહેરી સહકારી બેંકોને સમાન રીતે લાગુ પડશે.