સત્ય. સાહસ. સંકલ્પ.

RBI નીતિ બેઠક આજે: હોમ-કાર લોનની EMI વધશે કે ઘટશે, 10 વાગ્યે નિર્ણય

RBI નીતિ બેઠક આજે: હોમ-કાર લોનની EMI વધશે કે ઘટશે, 10 વાગ્યે નિર્ણય

દેશભરના લાખો લોન લેનારા, મધ્યમવર્ગીય પરિવારો, ઘર-કાર ખરીદવાનું વિચારતા લોકો અને શેરબજારના રોકાણકારોની નજર આજે, 7 ઓક્ટોબર 2026ના રોજ ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ના નિર્ણય પર ટકેલી છે.

પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે અને દેશમાં છૂટક ફુગાવાનું દબાણ સતત વધતું હોવાથી આ બેઠક મહત્વની બની છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10:00 વાગ્યે દ્વિમાસિક નાણાકીય નીતિની સત્તાવાર જાહેરાત કરશે. બપોરે 12:00 વાગ્યે ગવર્નર પત્રકાર પરિષદને સંબોધશે.

છેલ્લી સતત ચાર બેઠકોમાં મધ્યસ્થ બેંકે રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો હતો, જેનાથી લોકો અને બજારને રાહત મળી હતી. પરંતુ આ વખતે ક્રૂડ ઓઈલ અને અન્ય જરૂરી કોમોડિટીના ભાવમાં થયેલા વધારાને કારણે નીતિગત દરોમાં વધારો થવાની શક્યતા છે. જો રિઝર્વ બેંક રેપો રેટ વધારશે, તો બેંકો પણ તેમના ધિરાણ દરો વધારશે. તેની સીધી અસર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના માસિક હપ્તા (EMI) પર પડશે.

ગોલ્ડમેન સૅક્સ અને ICRA સહિતના મોટાભાગના નાણાકીય વિશ્લેષકો માને છે કે વધતી મોંઘવારીને કાબૂમાં લેવા MPC રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. તેનાથી રેપો રેટ 5.50% થઈ શકે છે, જે લોન લેનારાઓ માટે માસિક બજેટ પર ભાર રૂપ બનશે.

બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટીના પ્રમુખ સીએ કિંજલ શાહે જણાવ્યું કે, "વધતા છૂટક ફુગાવા, ઊંચા ઊર્જા ખર્ચ અને વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા અપનાવાઈ રહેલી નાણાકીય કડકાઈ વચ્ચે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈને 5.50% થવાની વ્યાપક અપેક્ષા છે. જોકે, આ સંજોગોમાં માત્ર દરો અંગે નિર્ણય લેવો પૂરતો નથી. ફુગાવાને અંકુશમાં રાખવા, ઉદ્યોગોને વેગ આપવા અને ક્રેડિટનો પ્રવાહ ચાલુ રાખવા RBIએ લિક્વિડિટી અને ભાવિ નીતિ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવું જરૂરી છે."

આ નિર્ણયનું સીધું પ્રસારણ RBIની સત્તાવાર વેબસાઈટ અને તેની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે.

નીતિગત જાહેરાત: સવારે 10:00 વાગ્યે
ગવર્નરની પત્રકાર પરિષદ: બપોરે 12:00 વાગ્યે