સત્ય. સાહસ. સંકલ્પ.

સાયબર ફ્રોડ રોકવા RBIનો નવો પ્રસ્તાવ: મની મ્યૂલ ખાતામાંથી 20 દિવસ નાણાં ઉપાડી નહીં શકાય

સાયબર ફ્રોડ રોકવા RBIનો નવો પ્રસ્તાવ: મની મ્યૂલ ખાતામાંથી 20 દિવસ નાણાં ઉપાડી નહીં શકાય

સાયબર ફ્રોડ રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ એક નવો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ હેઠળ જે ખાતાં સાયબર ફ્રોડમાં વપરાયાં હોવાની શંકા હોય તેવાં 'મની મ્યૂલ' ખાતાંમાંથી 20 દિવસ સુધી નાણાં ઉપાડી શકાશે નહીં.

સુપ્રીમ કોર્ટના 4 ઓગસ્ટના આદેશ બાદ આ ડ્રાફ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. તે મુજબ, જો ખાતેદાર ખાતામાં જમા થયેલા નાણાં અંગે યોગ્ય ખુલાસો ન કરે, તો 20 દિવસ સુધી તેમાંથી નાણાં ઉપાડી શકાશે નહીં. સંતોષકારક ખુલાસો મળ્યા પછી જ વ્યવહારો ચાલુ કરવા દેવાશે.

આ પ્રક્રિયા હેઠળ બેન્કોએ એવા વ્યવહારો પર તાત્કાલિક અસ્થાયી ડેબિટ હોલ્ડ મૂકવો પડશે જેને મની મ્યૂલ તરીકે ઓળખવામાં આવ્યા હોય. આ વ્યાખ્યામાં રૂ. 1,000 કે તેથી વધુના એ વ્યવહારોનો સમાવેશ થાય છે જેને બેન્કોની કૃત્રિમ બુદ્ધિ (AI) અને મશીન લર્નિંગ સિસ્ટમ્સ દ્વારા શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવ્યા હોય. ઉપરાંત, ગ્રાહકની સામાન્ય પ્રોફાઇલથી વિપરીત કે અસામાન્ય લાગતા વ્યવહારો, અથવા અગાઉ છેતરપિંડી કે મની મ્યૂલ તરીકે નોંધાયેલા ખાતાં સાથે જોડાયેલા વ્યવહારો પર પણ આ નિયમ લાગુ થશે.

ખુલાસા માટે ખાતેદારને પત્ર દ્વારા 20 દિવસનો સમય મળશે. ખુલાસો મળ્યાના 10 દિવસની અંદર બેન્કે નિર્ણય લેવો પડશે. જો ખુલાસો ન મળે, તો અસ્થાયી ડેબિટ હોલ્ડની તારીખથી 30 દિવસની અંદર નિર્ણય લેવાનો રહેશે. બેન્ક ગ્રાહકના ખુલાસાથી સંતુષ્ટ થાય તો તરત જ હોલ્ડ ઉઠાવવો પડશે.

જો બેન્ક સંતુષ્ટ ન થાય, તો હોલ્ડ ચાલુ રહેશે અને રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલની નાગરિક નાણાકીય સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા સંબંધિત પોલીસ અધિકારીને જાણ કરવામાં આવશે. જો કાયદા અમલીકરણ એજન્સી કે સક્ષમ સત્તાધિકારી તરફથી 30 દિવસમાં હોલ્ડ ચાલુ રાખવાની સૂચના ન મળે, તો બેન્કે રજૂઆતની તારીખથી 31મા દિવસે હોલ્ડ ઉઠાવવો પડશે. આવી સૂચના ન મળે તો અસ્થાયી ડેબિટ હોલ્ડનો મહત્તમ સમયગાળો શરૂઆતના હોલ્ડની તારીખથી 60 દિવસનો રહેશે.

RBIએ પ્રસ્તાવ મૂક્યો છે કે ખાતા-સ્તરના હોલ્ડનો ઉપયોગ અંતિમ ઉપાય તરીકે અને ફક્ત અસાધારણ સંજોગોમાં જ થવો જોઈએ. સાથે જ, શંકાસ્પદ મની મ્યૂલ અને સાયબર ફ્રોડ વ્યવહારો ઓળખવા બેન્કોએ ટેક્નોલોજી આધારિત આંતરિક નીતિઓ અમલમાં મૂકવી પડશે અને ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા (FIU-IND) પાસે શંકાસ્પદ વ્યવહાર અહેવાલો ફાઇલ કરવા પડશે. જો બેન્ક મની મ્યૂલ ખાતું હોવા છતાં આવો અહેવાલ ફાઇલ ન કરે, તો તેને 'તમારા ગ્રાહકને ઓળખો' (KYC) માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

દરમિયાન, સાયબર ફ્રોડ કરનારાઓ સાથે બેન્ક અધિકારીઓની મિલીભગત થતી હોવાની ચર્ચા પણ થઈ રહી છે. KYC નિયમ મુજબ કોઈપણ સંજોગોમાં થર્ડ પાર્ટીનું ખાતું ખોલી શકાતું નથી. જો એક ખાતામાંથી બીજા ખાતામાં ફ્રોડ કરીને નાણાં ટ્રાન્સફર થાય, તો ફરિયાદ મળતાં જ તે ખાતું સ્થગિત કરી શકાય છે. પરંતુ બેન્ક અધિકારીઓની ફ્રોડ કરનારાઓ સાથે મિલીભગત હોવાને કારણે આવું થતું નથી એવો આક્ષેપ છે. હાલમાં માત્ર નિયમો બનાવવાનું ડોળ કરવામાં આવી રહ્યું છે એવી ટીકા પણ ઉઠી છે.

આ નિયમ 1 એપ્રિલ, 2026થી લાગુ થવાનો પ્રસ્તાવ છે.