લોન લેવી એ આજના સમયમાં સામાન્ય બાબત છે, પરંતુ જો લોન લેનારનું અવસાન થાય તો પરિવાર સામે મોટો પ્રશ્ન ઊભો થાય છે કે બાકી રકમ કોણ ચૂકવશે? શું પરિવારના સભ્યો જવાબદાર છે કે બૅંક મિલકત જપ્ત કરશે? ભારતીય રિઝર્વ બૅંક (RBI) અને બૅંકિંગ નિયમો આ અંગે સ્પષ્ટ જોગવાઈઓ કરે છે.
જો લોનમાં સહ-અરજદાર હોય, તો મુખ્ય લોનધારકના મૃત્યુ બાદ સહ-અરજદાર પર બાકી EMI ચૂકવવાની કાનૂની જવાબદારી આવે છે. ખાસ કરીને હોમ લોનમાં આ નિયમ લાગુ પડે છે, જ્યાં સહ-અરજદારે હપ્તા ચાલુ રાખવા પડે છે.
જો સહ-અરજદાર ન હોય, તો બૅંક લોનના ગેરંટરનો સંપર્ક કરે છે, કારણ કે ગેરંટરે લોન એગ્રીમેન્ટમાં કાનૂની બાંહેધરી આપી હોય છે. ગેરંટર ન હોય ત્યારે કાનૂની વારસદારો (સંતાન, જીવનસાથી) પર જવાબદારી આવે છે, પરંતુ મર્યાદિત હોય છે — તેઓ જેટલી મિલકત વારસામાં મેળવે છે, તેટલી જ રકમ ચૂકવવા બંધાયેલા છે. બૅંક તેમની અંગત સંપત્તિમાંથી વસૂલાત કરી શકતી નથી.
લોન ઇન્શ્યોરન્સ આવી સ્થિતિમાં સૌથી મોટી ઢાલ બની શકે છે. જો લોન લેતી વખતે વીમો લીધો હોય, તો વીમા કંપની બાકી રકમ સીધી બૅંકને ચૂકવે છે, જેથી પરિવાર પર કોઈ આર્થિક બોજ આવતો નથી અને મિલકત સુરક્ષિત રહે છે.
હોમ લોન, કાર લોન જેવી સિક્યોર્ડ લોનમાં જો ચુકવણી ન થાય, તો બૅંક SARFAESI ઍક્ટ હેઠળ મિલકત જપ્ત કરીને હરાજી કરી શકે છે. હરાજી બાદ બાકી રકમ વસૂલ કરીને વધારાની રકમ વારસદારને સોંપાય છે.
પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ જેવી અનસિક્યોર્ડ લોનમાં, જો કોઈ સહ-અરજદાર કે ગેરંટર ન હોય અને વારસદારો પાસે મિલકત ન હોય, તો બૅંક તે લોનને બેડ ડેટ (NPA) તરીકે ચોપડેથી ઉતારી શકે છે. આમ, કેટલાક નિયમો પરિવારને રાહત આપે છે, પરંતુ સમયસર લોન ઇન્શ્યોરન્સ લેવું અને નિયમોની જાણકારી રાખવી મહત્વપૂર્ણ છે.