સોશિયલ મીડિયા પર ભારતીય રિઝર્વ બેંક (RBI) સાથે જોડાયેલો એક દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દાવામાં કહેવાયું છે કે 31 ડિસેમ્બર 2026 પછી બેંકોની જૂની ચેકબુક બંધ થઈ જશે અને 1 જાન્યુઆરી 2027થી નવી ચેકબુક ફરજિયાત બનશે. આ મેસેજમાં એવું પણ કહેવાયું છે કે 50 હજાર રૂપિયાથી વધુની રકમના જૂના ચેક સ્વીકારવામાં આવશે નહીં.
વાયરલ પોસ્ટમાં નવી ચેકબુકમાં થનારા ફેરફારોનો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં આલ્ફા-ન્યુમેરિક કોડ, નવો MICR નંબર, UV કોડ અને RBI સાથે જોડાયેલી સુરક્ષા વ્યવસ્થાનો સમાવેશ થાય છે. લોકોને બેંકની શાખા અથવા મોબાઇલ બેંકિંગ એપ દ્વારા નવી ચેકબુક માટે અરજી કરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.
હવે RBIએ આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. RBIએ પોતાના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરીને સ્પષ્ટ શબ્દોમાં FAKE લખ્યું છે.
RBIએ કેપ્શનમાં જણાવ્યું છે કે, ‘ભારતીય રિઝર્વ બેંકના ધ્યાનમાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં ઉપયોગમાં લેવાતી સ્ટાન્ડર્ડ ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) ચેકબુક 31 ડિસેમ્બર 2026થી બદલાઈ જશે અને 1 જાન્યુઆરી 2027થી વધુ સારી સુરક્ષા વ્યવસ્થા ધરાવતી નવી ચેકબુક લાગુ કરવામાં આવશે.’
તેમાં વધુમાં લખ્યું છે કે, ‘આ સ્પષ્ટ કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક હાલમાં CTS ચેકબુક સંબંધિત આવું કોઈ પગલું ભરી રહી નથી. તેથી, આ મેસેજ હકીકતોથી વિપરીત અને ગેરમાર્ગે દોરનારો છે. સામાન્ય જનતાને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આવા મામલામાં માત્ર ભારતીય રિઝર્વ બેંક દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે.’
RBIએ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈ માહિતી કે દાવો વાયરલ થાય એટલે તે સાચો જ હોય એવું જરૂરી નથી. સત્તાવાર પુષ્ટિ થયા બાદ જ આવા દાવાઓ પર વિશ્વાસ કરવો જોઈએ.