સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 31 ડિસેમ્બર 2026 પછી બૅંકોમાં વપરાતી હાલની ચેકબુક બંધ થઈ જશે અને 1 જાન્યુઆરી 2027થી નવા સુરક્ષા ફીચર્સવાળી ચેકબુક વાપરવી પડશે. આ મેસેજથી ઘણા લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.
ભારતીય રિઝર્વ બૅંક (RBI)એ આ દાવાની સત્યતા ચકાસી છે અને તેને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. RBIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે હાલની ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) ચેકબુકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. કેન્દ્રીય બૅંકે જૂની ચેકબુક બંધ કરવાની કે 1 જાન્યુઆરી 2027થી નવી ચેકબુક લાવવાનો કોઈ નિર્ણય લીધો નથી.
RBIએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ચેકબુક કે બૅંકિંગના અન્ય નિયમો અંગેની માહિતી માટે માત્ર રિઝર્વ બૅંકની સત્તાવાર જાહેરાતો પર જ ભરોસો રાખે. સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર આવતા આવા મેસેજની ખરાઈ કર્યા વગર તેને આગળ ફોરવર્ડ ન કરવા જોઈએ. જો ભવિષ્યમાં કોઈ નિયમ બદલાશે, તો તેની જાણ RBI અને બૅંકોની સત્તાવાર સૂચના દ્વારા જ કરવામાં આવશે.