રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંક ખાતાઓ સંબંધિત નવા ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા છે. આ પ્રસ્તાવ મુજબ, સાયબર ફ્રોડ કે મની મ્યુલ જેવા શંકાસ્પદ વ્યવહારોમાં આખું ખાતું ફ્રીઝ કરવાને બદલે, જ્યાં શક્ય હોય ત્યાં માત્ર વિવાદિત રકમ પર જ અસ્થાયી ડેબિટ હોલ્ડ લગાવવામાં આવશે. ગ્રાહકને 20 દિવસમાં સ્પષ્ટતા રજૂ કરવાની તક મળશે. આ નિયમો 1 એપ્રિલ 2027થી લાગુ થઈ શકે છે.
હાલમાં ઘણી વાર એવું બને છે કે પગાર ખાતામાં આવે, EMIની તારીખ નજીક હોય, લાઈટ બિલ ભરવાનું હોય અને બાળકોની ફી જમા કરાવવાની હોય, ત્યારે ખબર પડે કે ખાતા પર ડેબિટ રોક લાગી ગયો છે. આવી સ્થિતિમાં ગ્રાહકને ભારે મુશ્કેલી પડે છે. RBIના પ્રસ્તાવિત ફ્રેમવર્કનો હેતુ શંકાસ્પદ સાયબર ફ્રોડ અને મની મ્યુલ ખાતાઓ પર કાર્યવાહી કરવાની સાથે સામાન્ય ગ્રાહકોની આ મુશ્કેલી ઘટાડવાનો છે.
શું બદલાવાનું છે?
RBIએ KYC નિર્દેશોમાં ફેરફારનો ડ્રાફ્ટ જારી કર્યો છે. તેમાં સાયબર ફ્રોડ અને મની મ્યુલ સાથે જોડાયેલા શંકાસ્પદ ખાતાઓ અને વ્યવહારો માટે એક નિશ્ચિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પ્રસ્તાવિત કરવામાં આવી છે.
પ્રસ્તાવ મુજબ, જો બેંકની ટ્રાન્ઝેક્શન મોનિટરિંગ સિસ્ટમને ₹1,000 કે તેથી વધુનું કોઈ ટ્રાન્ઝેક્શન સાયબર ફ્રોડ કે મની મ્યુલ પ્રવૃત્તિ સાથે જોડાયેલું શંકાસ્પદ લાગશે, તો બેંક તેના પર અસ્થાયી ડેબિટ હોલ્ડ લગાવી શકશે.
મહત્વની વાત એ છે કે ₹1,000 કે તેથી વધુનું દરેક ટ્રાન્ઝેક્શન આપોઆપ ફ્રીઝ નહીં થાય. બેંકની સિસ્ટમ ટ્રાન્ઝેક્શન પેટર્ન, ગ્રાહકની પ્રોફાઈલ અને AI તથા મશીન લર્નિંગ આધારિત સંકેતોના આધારે જ તેને શંકાસ્પદ ગણશે.
વિવાદિત રકમ પર રોક, બાકીના પૈસા વાપરી શકાશે
આ પ્રસ્તાવનો સૌથી મોટો ફેરફાર એ છે કે, જો કોઈ ચોક્કસ ટ્રાન્ઝેક્શન પર સાયબર ફ્રોડની શંકા હશે, તો બેંક માત્ર તે રકમ પર જ અસ્થાયી ડેબિટ હોલ્ડ લગાવશે. આનાથી આખું ખાતું બ્લોક કરવાની જરૂર પડશે નહીં અને ગ્રાહક પોતાના ખાતામાં રહેલી બાકીની કાયદેસરની રકમનો ઉપયોગ ચાલુ રાખી શકશે. જોકે, જો બેંકને આખું ખાતું જ બોગસ (મની મ્યુલ) લાગશે, તો આખા ખાતા પર પણ રોક લગાવી શકાશે.
ગ્રાહકને 20 દિવસમાં સ્પષ્ટતા આપવાની તક
RBIના પ્રસ્તાવિત નિયમોમાં ગ્રાહકને પોતાની બાજુ રજૂ કરવાની પણ તક આપવામાં આવી છે:
રોકની જાણકારી: અસ્થાયી ડેબિટ હોલ્ડ લગાવ્યા બાદ બેંકે ગ્રાહકને તેની જાણ કરવી પડશે.
જવાબ માટે સમય: ગ્રાહકને ઓળખના પુરાવા, ટ્રાન્ઝેક્શનનું કારણ કે રકમના સ્રોત સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે 20 દિવસનો સમય મળશે.
બેંકનો નિર્ણય: જો ગ્રાહક જવાબ આપે છે, તો બેંકે 10 દિવસની અંદર નિર્ણય લેવો પડશે. જવાબ સંતોષકારક હશે તો હોલ્ડ તરત જ હટાવી લેવાશે.
જવાબ ન આપે તો: જો ગ્રાહક જવાબ નહીં આપે, તો બેંકે હોલ્ડ લગાવ્યાના 30 દિવસમાં નિર્ણય કરવો પડશે.
પોલીસ તપાસ: જો ગ્રાહકનો જવાબ સંતોષકારક નહીં હોય, તો બેંક હોલ્ડ ચાલુ રાખીને કેસ આગળની તપાસ માટે પોલીસ કે NCRP-CFCFRMSને મોકલી શકશે.
અસ્થાયી હોલ્ડની મહત્તમ મુદત 60 દિવસ
કોઈ કાયદાકીય એજન્સી કે સક્ષમ ઓથોરિટી તરફથી અલગ નિર્દેશ ન મળે ત્યાં સુધી અસ્થાયી ડેબિટ હોલ્ડની મહત્તમ મુદત 60 દિવસ પ્રસ્તાવિત કરવામાં આવી છે. એટલે કે બેંક અનિશ્ચિત સમય સુધી કોઈ રકમ રોકી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ બાદ SOP
સુપ્રીમ કોર્ટના 4 ઓગસ્ટ 2026ના આદેશ બાદ RBIએ આ SOP તૈયાર કરી છે. અગાઉ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026માં અલ્હાબાદ હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો હતો કે, માત્ર એક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે આખું ખાતું ફ્રીઝ કરી શકાય નહીં, માત્ર વિવાદિત રકમ પર જ 'Lien' લગાવી શકાય.