હવે સાયબર ફ્રોડની તપાસમાં તમારું આખું બેંક ખાતું ફ્રીઝ નહીં થાય. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ અંગે નવા નિયમો સૂચવ્યા છે, જે ગ્રાહકો માટે મોટી રાહત છે. અગાઉ એવું બનતું હતું કે ખાતામાં એક નાનકડો શંકાસ્પદ વ્યવહાર દેખાય કે સાયબર પોલીસ તપાસમાં ખાતું સંડોવાય, તો બેંક આખું ખાતું ફ્રીઝ કરી દેતી. આના કારણે ગ્રાહકને પોતાના પૈસા મેળવવામાં અને વાપરવામાં ભારે તકલીફ પડતી. હવે RBIએ આ પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે.
નવા નિયમ મુજબ, જો ખાતામાં ₹1,000 કે તેથી વધુનો શંકાસ્પદ કે અસામાન્ય વ્યવહાર (જેમ કે મ્યુલ એકાઉન્ટ કે સાયબર ફ્રોડ સાથે સંકળાયેલો વ્યવહાર) જણાય, તો બેંક આખું ખાતું ફ્રીઝ નહીં કરે. તેના બદલે, બેંક ફક્ત તે વિવાદિત રકમ પર કામચલાઉ ધોરણે રોક (lien) મૂકશે. બાકીની રકમ ગ્રાહક વાપરી શકશે, કોઈ અવરોધ વિના.
ગ્રાહકોને પોતાનો બચાવ રજૂ કરવાની તક પણ મળશે. બેંકો હવે મનસ્વી રીતે લાંબા સમય સુધી પૈસા અટકાવી શકશે નહીં. આખી પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. બેંક દ્વારા રકમ પર રોક મૂક્યા પછી, ગ્રાહક પાસે ઓળખનો પુરાવો, પૈસાનો સ્રોત કે વ્યવહાર માટે યોગ્ય ખુલાસો રજૂ કરવા 20 દિવસનો સમય હશે. ગ્રાહકે દસ્તાવેજો સબમિટ કર્યા પછી, બેંકે 10 દિવસની અંદર ચકાસણી કરવી પડશે. જો ખુલાસો યોગ્ય લાગે, તો બેંકે તરત જ રકમ પરની રોક હટાવવી પડશે.
જો 20 દિવસમાં ગ્રાહક જવાબ ન આપે અથવા જવાબ અસંતોષકારક હોય, તો બેંક અનિશ્ચિત સમય માટે પૈસા અટકાવી શકશે નહીં. તેને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) દ્વારા સંબંધિત પોલીસ સત્તાવાળાઓને કેસ સોંપવો પડશે. ત્યારબાદ પોલીસ પાસે સંબંધિત રકમ અંગે ઔપચારિક સ્ટેચ્યુટરી રિસ્ટ્રેન્ટ ઓર્ડર (કાનૂની રોક આદેશ) જારી કરવા 30 દિવસનો સમય હશે.
છેતરપિંડીવાળા ખાતાઓની ઓળખમાં AI મદદ કરશે. RBIએ બેંકોને કહ્યું છે કે તેઓ શંકાસ્પદ પ્રવૃત્તિઓ—જેમ કે ગ્રાહકની જાહેર કરેલી આવક સાથે મેળ ન ખાતા અચાનક થતા મોટા વ્યવહારો—ઓળખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને આધુનિક દેખરેખ પ્રણાલીઓનો ઉપયોગ કરે.
આ નવો નિયમ 1 એપ્રિલ, 2027થી ફરજિયાત બનશે. જોકે, બેંકો ઈચ્છે તો તેનો અમલ વહેલો પણ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના 4 ઓગસ્ટ, 2026ના આદેશને પગલે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા RBIએ આ પગલું ભર્યું છે.