સત્ય. સાહસ. સંકલ્પ.

બલ્ક FD પર RBIના નવા નિયમો: 1 ઓક્ટોબરથી શું બદલાશે?

બલ્ક FD પર RBIના નવા નિયમો: 1 ઓક્ટોબરથી શું બદલાશે?

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ (Bulk FD) પર લાગુ થતા વ્યાજ દરોના નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ ડિપોઝિટ સિસ્ટમમાં પારદર્શિતા વધારવાનો અને બેંકોને તેમની લિક્વિડિટી જરૂરિયાતો મુજબ વધુ સુગમતા આપવાનો છે.

નવા નિયમો અનુસાર, હવે બેંકોએ દરેક કામકાજના દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં બલ્ક FD પર લાગુ થતા વ્યાજ દરોની જાહેરાત કરવી પડશે. આ દરો અપડેટ કરવા માટે બેંકોને 10 મિનિટનો સમય આપવામાં આવશે. ગ્રાહકોની જમા રકમ પર વ્યાજ ચૂકવતી વખતે બેંકોએ તેમની અધિકૃત વેબસાઇટ પર દર્શાવેલા દરોનું જ ચુસ્તપણે પાલન કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે, 3 કરોડ કે તેથી વધુની રકમની ફિક્સ્ડ ડિપોઝિટને બલ્ક ડિપોઝિટ ગણવામાં આવે છે. આવી ડિપોઝિટના વ્યાજ દર સામાન્ય જમા કરતાં અલગ હોઈ શકે છે.

બીજો મહત્વનો ફેરફાર એ છે કે, હવે એક જ દિવસે સ્વીકારવામાં આવેલી સમાન રકમની મોટી થાપણો માટે બેંકોએ તેમની તમામ શાખાઓમાં એકસરખા વ્યાજ દર ઓફર કરવા પડશે. આનાથી એક જ રકમ પર અલગ-અલગ શાખાઓમાં અલગ વ્યાજ દર મળવાની પદ્ધતિ પર રોક લાગશે.

જોકે, આ નિયમો બેંકોને કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં વ્યાજ દરોમાં તફાવત રાખવાની છૂટ આપે છે. લિક્વિડિટી કવરેજ રેશિયો (LCR) માળખા હેઠળ લાગુ થતા ઉપાડ દરના આધારે બેંકો બલ્ક ડિપોઝિટ પર અલગ-અલગ વ્યાજ દર ઓફર કરી શકશે. આ ફેરફારોથી ગ્રાહકોનો બેંકિંગ સિસ્ટમ પ્રત્યેનો વિશ્વાસ વધશે તેવી અપેક્ષા છે.