સત્ય. સાહસ. સંકલ્પ.

બેંક ખાતામાંથી પૈસા કપાયા? RBIનો નિયમ જાણો, સમયસર ફરિયાદ કરો તો પૂરા પૈસા પાછા

બેંક ખાતામાંથી પૈસા કપાયા? RBIનો નિયમ જાણો, સમયસર ફરિયાદ કરો તો પૂરા પૈસા પાછા

ઓનલાઇન બેંકિંગના આ યુગમાં ખાતામાંથી પૈસા ચોરાઈ જવાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં ગ્રેટર નોઇડામાં પંજાબ નેશનલ બેંક (PNB)ની એક શાખામાં ગ્રાહકોના બેંક ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માંથી કરોડો રૂપિયા ગાયબ થઈ જવાની ઘટનાએ લોકોની ચિંતા વધારી છે. પરંતુ જો તમારા ખાતામાંથી તમારી જાણ બહાર પૈસા કપાઈ જાય, તો આખું નુકસાન તમારે જ ભોગવવું પડે એવું નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકોના હિતોની રક્ષા માટે સ્પષ્ટ નિયમો બનાવ્યા છે.

પૈસા કપાય તો તરત જ આ ત્રણ કામ કરો

પ્રથમ, બેંકમાં ફરિયાદ નોંધાવો અને ખાતું બ્લોક કરાવો. કોઈ અનધિકૃત વ્યવહાર થાય તો તરત જ બેંકના સત્તાવાર કસ્ટમર કેર નંબર, મોબાઇલ એપ, નેટ બેંકિંગ કે શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવો. આગળ વધુ પૈસા ન ઉપડે તે માટે ઓનલાઇન ડેબિટ અને કાર્ડના વ્યવહારો તાત્કાલિક બંધ કરાવો.

બીજું, ફરિયાદનો રેફરન્સ નંબર અને પુરાવા સાચવી રાખો. બેંક તરફથી મળતો ફરિયાદ રેફરન્સ નંબર ચોક્કસ લઈ લો. વ્યવહારનો SMS, ઈમેલ, બેંક સ્ટેટમેન્ટ અને સ્ક્રીનશોટ પણ સાચવી રાખો. તપાસ અને રિફંડ વખતે આ પુરાવા કામ લાગશે.

ત્રીજું, જો છેતરપિંડી ડિજિટલ પેમેન્ટ કે સાયબર ફ્રોડ દ્વારા થઈ હોય તો તરત જ સાયબર હેલ્પલાઇન 1930 પર ફોન કરો અથવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ પોર્ટલ (cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવો.

ક્યારે પૂરા પૈસા પાછા મળે?

RBIના નિયમ મુજબ ગ્રાહકની જવાબદારી છેતરપિંડીના પ્રકાર અને ફરિયાદ કરવાના સમય પર આધાર રાખે છે.

જો અનધિકૃત વ્યવહાર બેંકની બેદરકારી, ભૂલ કે સિસ્ટમની ખામીને કારણે થયો હોય તો ગ્રાહકની જવાબદારી શૂન્ય રહે છે અને આખું નુકસાન બેંકે ભોગવવું પડે છે.

જો છેતરપિંડીમાં બેંકની ભૂલ ન હોય કે ગ્રાહકની ભૂલ ન હોય, પરંતુ સિસ્ટમમાં ઘૂસણખોરી થઈને પૈસા કપાયા હોય, તો વ્યવહારની જાણ થયાના ત્રણ કામકાજના દિવસમાં ફરિયાદ કરવાથી ગ્રાહકની જવાબદારી શૂન્ય ગણાય છે અને પૂરી રકમ પાછી મળે છે.

જો ચારથી સાત કામકાજના દિવસમાં જાણ કરવામાં આવે તો ખાતાના પ્રકાર મુજબ ગ્રાહકની જવાબદારી મર્યાદિત રહે છે. છેતરપિંડીની રકમ કે નક્કી કરેલી મર્યાદા — બેમાંથી જે ઓછી હોય એટલું જ નુકસાન ગ્રાહકે ભોગવવું પડે છે. બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતામાં મહત્તમ જવાબદારી રૂ. 5,000, સામાન્ય સેવિંગ્સ ખાતામાં રૂ. 10,000 અને કેટલાક કરન્ટ ખાતામાં આ મર્યાદા રૂ. 25,000 સુધીની હોય છે.

જો ગ્રાહકે પોતાની બેદરકારીથી OTP, PIN કે પાસવર્ડ શેર કર્યો હોય તો બેંકમાં ફરિયાદ નોંધાય ત્યાં સુધીનું આખું નુકસાન ગ્રાહકે ઉઠાવવું પડે છે. પરંતુ ફરિયાદ નોંધાયા પછી થતા કોઈપણ અનધિકૃત વ્યવહારની જવાબદારી બેંકની રહે છે.

જો સાત કામકાજના દિવસ પછી જાણ કરવામાં આવે તો જવાબદારી બેંકના બોર્ડ દ્વારા મંજૂર કરેલી નીતિ મુજબ નક્કી થાય છે.

રિફંડ કેટલા દિવસમાં?

RBIએ શૂન્ય કે મર્યાદિત જવાબદારીવાળા કેસોમાં રિફંડ ચૂકવવા માટે સમયમર્યાદા નક્કી કરી છે. ફરિયાદ મળ્યાના 10 કામકાજના દિવસમાં બેંકે અનધિકૃત વ્યવહારની રકમ પ્રોવિઝનલ ધોરણે ગ્રાહકના ખાતામાં જમા કરવી પડે છે.