સત્ય. સાહસ. સંકલ્પ.

RBI નો '6-Hour Rule': સાયબર હુમલાની જાણ 6 કલાકમાં, ડિજિટલ પેમેન્ટ વધુ સુરક્ષિત

RBI નો '6-Hour Rule': સાયબર હુમલાની જાણ 6 કલાકમાં, ડિજિટલ પેમેન્ટ વધુ સુરક્ષિત

આજે ચાની દુકાનથી મોટી ઓનલાઇન ખરીદી સુધી લોકો UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. ડિજિટલ વ્યવહારો વધતાં સાયબર હુમલા અને ઓનલાઇન છેતરપિંડીનું જોખમ પણ વધ્યું છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સુરક્ષા મજબૂત કરવા માટે '6-Hour Rule' સહિત કેટલાક કડક નિયમો જાહેર કર્યા છે.

શું છે RBI નો 6-Hour Rule?

RBIની નવી સાયબર સિક્યોરિટી ગાઇડલાઇન મુજબ, તમામ નોન-બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો (PSO)એ પોતાના સિસ્ટમમાં સાયબર હુમલો, સર્વર ડાઉન થવું, ટેકનિકલ ખામી કે પેમેન્ટ સેટલમેન્ટમાં વિલંબ જેવી અસામાન્ય ઘટના બને તો તેની જાણ 6 કલાકની અંદર RBI અને CERT-Inને કરવી ફરજિયાત છે. આ નિયમ NPCI, કાર્ડ નેટવર્ક, પેમેન્ટ એગ્રીગેટર્સ, વોલેટ કંપનીઓ (PPI) અને વ્હાઇટ લેબલ ATM ઓપરેટરો પર લાગુ થશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ઘટનાઓની સમયસર તપાસ અને તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે.

સામાન્ય ગ્રાહકોને શું ફાયદો થશે?

આ નિયમથી પેમેન્ટ કંપનીઓની જવાબદારી વધશે અને તેઓ કોઈપણ ગંભીર ટેકનિકલ ખામીને છુપાવી શકશે નહીં. સાયબર હુમલાની જાણ 6 કલાકમાં થવાથી સુરક્ષા એજન્સીઓ તરત જ ડેટા ચોરી કે મોટા નુકસાનને અટકાવી શકશે. ઉપરાંત, પેમેન્ટ અટકી જવું કે સેટલમેન્ટમાં થતા વિલંબ પર RBIની સીધી નજર રહેશે, જેથી ગ્રાહકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવશે. જોકે, આ નિયમ 6 કલાકમાં રિફંડની ગેરંટી આપતો નથી, પરંતુ સમગ્ર પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવે છે.

RBIના અન્ય મહત્વપૂર્ણ ફેરફારો:

થર્ડ-પાર્ટી સોફ્ટવેર સુરક્ષા: કંપનીઓએ બહારના સોફ્ટવેરનો સોર્સ કોડ સુરક્ષિત રાખવો પડશે જેથી તેમાં રહેલી ખામીઓનો સાયબર ગુનેગારો ફાયદો ન ઉઠાવી શકે.

વાર્ષિક સિસ્ટમ ઓડિટ: દરેક નાણાકીય વર્ષ પૂર્ણ થયાના બે મહિનામાં સિસ્ટમ ઓડિટ રિપોર્ટ જમા કરાવવો પડશે.

12 કલાકનો કૂલિંગ-ઓફ પિરિયડ: ગ્રાહકનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે ઈમેલ બદલ્યા બાદ 12 કલાકનો વેઇટિંગ સમય યથાવત રખાયો છે, જેથી અનધિકૃત ફેરફારથી થતી છેતરપિંડી અટકાવી શકાય.

ડિઝાસ્ટર રિકવરી સેન્ટર: કુદરતી આપત્તિ સમયે સેવાઓ ચાલુ રહે તે માટે મુખ્ય ડેટા સેન્ટરથી અલગ ભૂકંપીય ઝોનમાં રિકવરી સેન્ટર રાખવું અને વર્ષમાં બે વાર રિકવરી ડ્રિલ કરવી ફરજિયાત છે.

નિષ્ણાતોના મતે, ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવે છે, તેથી તેની દરેક કડી મજબૂત હોવી જરૂરી છે. RBIના આ પગલાંથી ડિજિટલ વ્યવહારો વધુ ભરોસાપાત્ર બનશે, પરંતુ ગ્રાહકોએ પણ અજાણી લિંક પર ક્લિક કરવા કે OTP શેર કરવાથી બચવું જોઈએ.