અમદાવાદમાં રૂપિયા 2,000ની પ્રતિબંધિત નોટો બદલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના પૂર્વ કર્મચારી રાજુ સહિત ચાર શખ્સો કમિશન લઈને બેંક એકાઉન્ટ મેળવતા હતા અને દરેક એકાઉન્ટમાં 9 લાખ રૂપિયા જમા કરાવતા હતા. આ ષડયંત્ર આશ્રમ રોડ પર આવેલી RBIની શાખામાં ચાલતું હતું. આરોપીઓમાં ઇરફાન ઉર્ફે ચીના, પ્રફુલ દંતાણી અને વૈશાલી દંતાણીનો સમાવેશ થાય છે. ઇરફાન 30 થી 50 હજાર રૂપિયા સુધીનું કમિશન ઓફર કરતો હતો.
કેન્દ્ર સરકારે 19 મે 2023ના રોજ 2,000ની ચલણી નોટો ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. 23 મે 2023થી બેંકોમાં નોટ બદલવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે પછી 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો. ત્યારબાદ દેશભરમાં RBIની 19 પ્રાદેશિક શાખાઓમાં 2,000ની નોટો જમા કરાવવાની સુવિધા શરૂ કરવામાં આવી, જે હજુ ચાલુ છે. મોટા પ્રમાણમાં જમા થતી રકમ પર સર્વેલન્સ રાખવામાં આવતું હોવાથી કાળા નાણાં ધરાવતા લોકોએ પોતાની પાસેની કરોડોની રકમ સીધી બેંકમાં જમા ન કરાવતા, RBIમાં નાણાં જમા કરાવવા માટે સેટિંગ કર્યું હતું. આ સેટિંગ હેઠળ મોટાપાયે કૌભાંડ ચાલી રહ્યું છે.
આશ્રમ રોડની RBI શાખામાં કાર્યરત રાજુ, પ્રફુલ દંતાણી, વૈશાલી દંતાણી અને ઇરફાન ઉર્ફે ચીનાએ છેલ્લા ઘણા મહિનાઓથી ડિમોનિટાઇઝ્ડ 2,000ની નોટો જમા કરાવવાનું કૌભાંડ ચલાવ્યું હતું. ઇરફાન કોઈ વ્યક્તિને તેના બેંક એકાઉન્ટમાં 9 લાખ રૂપિયા જમા કરાવવાના બદલામાં 30 થી 50 હજાર રૂપિયા સુધીનું કમિશન આપવાની લાલચ આપતો. જો વ્યક્તિ તૈયાર થાય તો તેની પાસેથી પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ સહિતના દસ્તાવેજ લઈ લેવામાં આવતા અને ઇરફાન પ્રફુલ અને વૈશાલીને જાણ કરતો. બંને જણા 2,000ની બંધ થયેલી નોટોના 9 લાખ લઈને આશ્રમ રોડની RBI શાખાએ જઈને ફોર્મ ભરાવીને નાણાં જમા કરાવતા.
આ નાણાં કોઈપણ વાંધા વિના યોગ્ય કારણ સાથે જમા થાય તે માટે રાજુ RBIના અન્ય કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને ધ્યાન રાખતો. 9 લાખ રૂપિયા જે તે વ્યક્તિના એકાઉન્ટમાં જમા થાય ત્યારે ફરી બેંક એકાઉન્ટને લગતા દસ્તાવેજ લઈ લેવામાં આવતા. RBIમાં 2,000ની નોટો જમા કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે 9 લાખ રૂપિયા જમા કરાવનાર વ્યક્તિના ખાતામાં જમા થઈ જતા. આ કૌભાંડમાં RBIના પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.