સત્ય. સાહસ. સંકલ્પ.

રવિ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીની ભારે ભીડ: અમદાવાદ, સુરત, વડોદરામાં કરોડોનો કારોબાર

રવિ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીની ભારે ભીડ: અમદાવાદ, સુરત, વડોદરામાં કરોડોનો કારોબાર

રવિ પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્ત નિમિત્તે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રા.અમદાવાદ સહિતના શહેરોમાં સોના-ચાંદીની ખરીદી માટે જ્વેલર્સની દુકાનોમાં વહેલી સવારથી ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાએ ખરીદદારોનો ઉત્સાહ વધાર્યો છે.

શુભ મુહૂર્તમાં સોનું કે ચાંદી ખરીદવું સમૃદ્ધિ અને ધનલાભનું પ્રતીક માનવામાં આવે છે, તેથી લોકો આ દિવસે ખાસ ખરીદી કરવાનું પસંદ કરે છે. સોનાના દાગીના, સિક્કા અને ચાંદીની વસ્તુઓ માટે મોટી સંખ્યામાં લોકો દુકાનો પર પહોંચ્યા હતા.

એબી જ્વેલર્સના ડિરેક્ટર કીર્તન સોનીએ જણાવ્યું કે આજે સોનાનો ભાવ GST સહિત 1.43 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગયા વર્ષની સરખામણીમાં ભાવ 10,000 રૂપિયા વધુ છે, છતાં લોકોએ અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું અને સવારથી ગ્રાહકો આવી રહ્યા છે. ત્રણ દિવસમાં ભાવ ઘટતાં લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.

ગ્રાહક કોમલે જણાવ્યું કે તેમને માતા-પિતાના ઘરેથી જ ધનતેરસ કે પુષ્ય નક્ષત્ર પર સોનું-ચાંદી ખરીદવાની પરંપરા મળી છે, જે સાસરિયામાં પણ ચાલુ રાખી છે. ખરીદેલા સોનું-ચાંદીની ધનતેરસના દિવસે પૂજા કરવામાં આવે છે. ભાવ ઘટવાથી ફાયદો થયો છે અને અગાઉ જે લેવાનું હતું તેના કરતાં થોડું વધારે લઈ શક્યા છીએ.

સુરતના ડી. ખુશાલભાઈ જ્વેલર્સના દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું કે પુષ્ય નક્ષત્રમાં લોકો શુભ મુહૂર્તમાં ખરીદી કરે છે. અગાઉ ઊંચા ભાવને કારણે બજાર મંદ લાગતું હતું, પરંતુ ભાવ ઘટવાથી આ વખતે ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં સારી ઘરાકી જોવા મળી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સોનાનો ભાવ બે લાખથી ઘટીને અંદાજે 1,75,000 રૂપિયા અને ચાંદીનો ભાવ 4 લાખથી ઘટીને 2 લાખની અંદર આવ્યો છે. ભાવ ઘટવાના લાભથી લોકો શુભ પ્રસંગો માટે અગાઉથી બુકિંગ કરાવે છે.

સુરતમાં વેસુથી ખરીદી માટે આવેલાં અરૂણા ચોહાણે જણાવ્યું કે પહેલાં ભાવ ખૂબ વધારે હોવાથી ખરીદી કરવાનું મન નહોતું થતું, પરંતુ આજે પુષ્ય નક્ષત્ર હોવાથી અને ભાવ ઘટ્યા હોવાથી તેઓ ખરીદી કરવા આવ્યા છે.

વડોદરામાં જ્વેલરી બજારના વલણ અને ગ્રાહકોના ઉત્સાહને જોતાં આજે એક જ દિવસમાં આશરે 100 કરોડ રૂપિયાનું સોનું વેચાવાનો અંદાજ છે, જે બજાર માટે રાહતની બાબત છે.

સારા ગણદેવીકર જ્વેલર્સના માલિક સુનિલ ગણદેવીકરે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ભાવ અંગેની અફવાઓ અને નિષ્ણાતોના વિરોધાભાસી મંતવ્યોને કારણે લોકોમાં મૂંઝવણ છે. ભાવ ઘટીને એક લાખ કે તેથી નીચે જવાની અફવાઓથી લોકો ખરીદીમાં અચકાય છે. હાલ સોનાનો ભાવ ઊંચી સપાટીથી ઘટીને આશરે 1,43,000 રૂપિયા થયો છે. બજારની અસ્થિરતાને કારણે ગ્રાહકોનો ઉત્સાહ અપેક્ષા કરતાં ઓછો છે.

ગ્રાહક પરેશ પ્રજાપતિએ જણાવ્યું કે આ દિવસ સોનું, ચાંદી, ઇલેક્ટ્રોનિક્સ કે વાહનોની ખરીદી માટે શુભ મનાય છે, તેથી તેમણે પણ નાની વસ્તુ ખરીદી છે. ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને નવો બોટમ બની રહ્યો છે. તેમણે અંદાજ વ્યક્ત કર્યો કે આગળ ભાવ 1,37,000 રૂપિયા સુધી જઈ શકે છે.