આ વર્ષે દિવાળી 8 નવેમ્બરના રોજ છે. તે પહેલાં રવિવાર, 1 નવેમ્બર 2026ના રોજ ખરીદી અને નવા કામની શરૂઆત માટે શુભ યોગ છે, જેને 'રવિ પુષ્ય નક્ષત્ર' કહેવામાં આવે છે. રવિ પુષ્ય નક્ષત્ર ત્યારે બને છે જ્યારે રવિવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પુષ્ય નક્ષત્રમાં સોનું-ચાંદી, વાહન, પ્લોટ, ઘર અને વેપાર સંબંધિત વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં વેપારીઓ નવા ચોપડા (વહીખાતું) શરૂ કરે છે, જ્યારે સામાન્ય લોકો લક્ષ્મી-ગણેશજીની પૂજા કરે છે.
જ્યોતિષમાં સૂર્યને રવિવારનો સ્વામી માનવામાં આવે છે. સૂર્ય માન-સન્માન, પ્રતિષ્ઠા, નેતૃત્વ અને આત્મવિશ્વાસનો કારક ગ્રહ છે, જ્યારે પુષ્ય નક્ષત્ર સ્થિરતા, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક છે. આ કારણે રવિ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલા શુભ કાર્યો માન-સન્માન, પ્રસિદ્ધિ અને લાભ અપાવનારા હોય છે.
આ દિવસે પુષ્ય નક્ષત્ર સાથે સપ્તમી તિથિ પણ છે. આ તિથિ પર સૂર્યદેવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. સૂર્ય પૂજા માટે તાંબાના લોટામાં જળ લઈને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. અર્ઘ્ય આપતી વખતે 'ॐ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરો. પૂજા-પાઠની સાથે ભોજન, વસ્ત્ર અને ધનનું દાન કરી શકાય છે. આ દિવસે ઘર કે દુકાનમાં લક્ષ્મી-ગણેશજીનું પૂજન પણ કરવું જોઈએ.
જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, નવા વર્ષના ચોપડા કે અન્ય શુભ ખરીદી રવિવાર, 1 નવેમ્બર 2026ના રોજ રવિ પુષ્યમૃત યોગમાં કરવી શુભ રહેશે.