નિર્માતા નમિત મલ્હોત્રાની ફિલ્મ 'રામાયણમ્'માં અભિનેતા રવિ દુબેએ લક્ષ્મણની ભૂમિકા ભજવી છે. તેમના અભિનયની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. આ પ્રશંસામાં રવિની પત્ની અને અભિનેત્રી સરગુન મહેતાનો પણ સમાવેશ થાય છે. સરગુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પતિના 21 વર્ષના સંઘર્ષની કહાણી જણાવી છે.
શનિવારે સરગુને તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં રવિના લક્ષ્મણ પાત્રની ઘણી તસવીરો હતી. સરગુને લખ્યું, 'મેં કહ્યું હતું કે આ દિવાળીએ આપણો વનવાસ પૂરો થશે. વાલ્મીકિ રામાયણમાં એક શ્લોક છે, જેમાં લક્ષ્મણજીએ શ્રી રામને કહ્યું હતું કે સંકલ્પથી મોટી કોઈ શક્તિ નથી. જે વ્યક્તિ આ ભાવના જીવંત રાખે છે, તેના માટે કંઈ પણ મેળવવું અશક્ય નથી. આ વાત હંમેશાં તમારા દિલમાં હતી.'
તેણે વધુમાં લખ્યું, '21 વર્ષની રાહ, ઉતાર-ચઢાવ, લોકોની વાતો, આલોચનાઓ અને અવરોધો. આજે તમારા અટૂટ વિશ્વાસ અને દ્રઢતા સામે બધું હારી ગયું. સૌથી ખરાબ સમયમાં પણ તમે ક્યારેય કંઈ ખોટું ન કહ્યું અને ન કર્યું. દરેક મુશ્કેલ દિવસમાં તમે પોતાને વધુ સારા બનાવવા પર ધ્યાન આપ્યું, નવું શીખ્યા, જેથી યોગ્ય સમય આવે ત્યારે કોઈ બહાનું ન બચે. આજે હું ભલે કોઈને મળું કે ઈન્ટરનેટ પર કંઈ જોઉં, તમારી જીત દરેકને પોતાની જીત લાગે છે. તમારી જીત આશા જગાવે છે અને મને વિશ્વાસ અપાવે છે કે અંતમાં સત્યની જ જીત થાય છે.'
સરગુને લાગણી વ્યક્ત કરતાં લખ્યું, 'આજે મારું દિલ ખુશીથી ભરાઈ ગયું છે, કારણ કે જે વાત હું હંમેશાં કહેતી હતી કે મારો માણસ જ મારો ભગવાન છે, હવે બધા એ જ કહેશે. મને તમારા પર હંમેશાં ગર્વ રહ્યો છે, પરંતુ આજે હું તમારી સૌથી મોટી પ્રશંસક પણ છું. તમે મારી રોશની છો, તમે હજી વધુ ચમકો. આ દિવાળીને મારા જીવનની સૌથી શાનદાર દિવાળી બનાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.'