મધ્યપ્રદેશના રતલામમાં બુધવારની સવારે દિલ્હી-મુંબઈ 8 લેન એક્સપ્રેસ-વે પર એક ગંભીર અકસ્માત થયો. ગુજરાતથી ઉત્તર પ્રદેશ જઈ રહેલા પરિવારની કાર અનિયંત્રિત થઈને રસ્તાની બાજુમાં લગાવેલી રેલિંગ સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ચૂરેચૂરા થઈ ગયા અને રેલિંગનો લોખંડનો ભાગ કારની અંદર ઘૂસી ગયો, જેના કારણે 13 વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રીનાં દુઃખદ મોત થયાં. તેમના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે.
મૃતક બાળકોની ઓળખ 6 વર્ષની વિધિ વર્મા અને 13 વર્ષના સાગર વર્મા તરીકે થઈ છે. તેમના પિતા રાજાબાબુ વર્મા ગુજરાતની એક ફાર્મા કંપનીમાં ડેપ્યુટી મેનેજર છે. પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવનો રહેવાસી છે અને હાલ ગુજરાતના હાલોલમાં રહે છે. અકસ્માતમાં તેમની પત્ની રિશુ વર્મા (42) પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પિતા રાજાબાબુ વર્માએ જણાવ્યું કે તેઓ બુધવારે સવારે 4:30 વાગ્યે પરિવાર સાથે પોતાના ગામ જવા માટે નીકળ્યા હતા. કાર તેઓ પોતે ચલાવી રહ્યા હતા અને તેની ઝડપ લગભગ 100 કિમી પ્રતિ કલાક હતી. પુત્ર સાગર આગળની સીટ પર બેઠો હતો, જ્યારે પત્ની અને પુત્રી પાછળ બેઠાં હતાં. તેમણે કહ્યું કે કારમાં એરબેગ પણ હતા, પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે રેલિંગનો લોખંડનો ભાગ કારની અંદર ઘૂસી ગયો. તેનો એક ભાગ પુત્ર સાગરના શરીરને ચીરીને બીજી તરફ નીકળી ગયો, જ્યારે બીજો ભાગ પુત્રીના માથામાં વાગ્યો. અકસ્માતમાં બંને બાળકોનાં મોત થયાં.
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને જાવરા હોસ્પિટલ પહોંચાડ્યા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે રતલામ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા. હાલમાં પુત્રનો મૃતદેહ જાવરામાં રાખવામાં આવ્યો છે, જ્યારે ઘાયલ પત્ની મેડિકલ કોલેજમાં દાખલ છે.
રાજાબાબુ વર્માએ હાઇવે પર સમયસર સારવારની સુવિધા ન મળવા અંગે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે 8 લેનના હાઇવેની આસપાસ કોઈ હોસ્પિટલ કે આરોગ્યસુવિધા ઉપલબ્ધ નહોતી. જો સમયસર સારવાર મળી હોત તો કદાચ તેમની પુત્રીનો જીવ બચી શક્યો હોત. આ ઘટના હાઇવે પર તાત્કાલિક તબીબી સહાયની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે.