સત્ય. સાહસ. સંકલ્પ.

ભુજના રતાડીયામાં લાઈમસ્ટોન માઈન લીઝ સામે ગ્રામજનોનો વિરોધ, હાઈકોર્ટ જવાની ચીમકી

ભુજના રતાડીયામાં લાઈમસ્ટોન માઈન લીઝ સામે ગ્રામજનોનો વિરોધ, હાઈકોર્ટ જવાની ચીમકી

કચ્છના ભુજ તાલુકાના રતાડીયા ગામના ગ્રામજનોએ લાઈમસ્ટોન માઈન લીઝનો વિરોધ કર્યો છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આ લીઝને મંજૂરી આપવામાં આવશે તો તેઓ આ નિર્ણય સામે હાઈકોર્ટમાં જશે.

ગ્રામજનોનું કહેવું છે કે માઈનિંગ લીઝ મંજૂર થશે તો વિસ્તારના પાણીના સ્ત્રોત, પશુધન અને પર્યાવરણ પર માઠી અસર પડી શકે છે. ખેતી અને પશુપાલન પર સીધી અસર થવાની ચિંતા પણ તેમણે વ્યક્ત કરી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત લીઝ ઐતિહાસિક રામલગઢ અને ધાર્મિક સ્થળોની નજીક આપવામાં આવી રહી છે. તેથી ઐતિહાસિક વારસો અને ધાર્મિક સ્થળોની જાળવણી અંગે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે. આવા સ્થળોની નજીક કોઈ પણ પ્રકારની માઈનિંગ લીઝ ન આપવાની તેમની સ્પષ્ટ માંગ છે.

આ મુદ્દે ભુજ પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીની હાજરીમાં લોક સુનાવણી યોજાઈ હતી. તેમાં અંદાજે 17થી 18 લોકોએ મૌખિક રજૂઆત કરી. ગ્રામજનોએ રોજગારી, સ્થાનિક લોકોની સલામતી, પ્રદૂષણ અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નો અધિકારીઓ સમક્ષ મૂક્યા. પાણી, પશુધન અને કુદરતી પર્યાવરણને નુકસાન ન થાય તે માટે લીઝને મંજૂરી ન આપવા પણ રજૂઆત કરાઈ હતી.

હાલ લીઝ આપવામાં આવશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય જાહેર થયો નથી. આ મુદ્દો રતાડીયા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.