સત્ય. સાહસ. સંકલ્પ.

કૉફી વિથ કરણ વિવાદ પર રશ્મિકા અને વિજયનો જવાબ: 'અમે ખુશ છીએ, બાકીનાને શું?'

કૉફી વિથ કરણ વિવાદ પર રશ્મિકા અને વિજયનો જવાબ: 'અમે ખુશ છીએ, બાકીનાને શું?'

સાઉથ સિનેમાની જાણીતી જોડી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ચર્ચામાં છે. 'કૉફી વિથ કરણ સીઝન 9'માં તેમનો એપિસોડ આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. આ એપિસોડમાં રશ્મિકાએ જણાવ્યું હતું કે તેણે વિજયને લગ્ન માટે મનાવવા માટે લગભગ એક વર્ષ સુધી પ્રયાસ કર્યો હતો અને અંદાજે 100 વખત લગ્નની વાત કરી હતી. આ વાત સામે આવતાં જ નેટીઝન્સે વિજયને 'રેડ ફ્લેગ' ગણાવ્યો અને બંનેના સંબંધને 'ટોક્સિક' કહીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. કેટલાક યુઝર્સે રશ્મિકાને છૂટાછેડા લેવાની સલાહ પણ આપી હતી.

હવે આ ટીકાઓ વચ્ચે બંને કલાકારોએ મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકી છે. રશ્મિકાએ 8 સ્લાઇડની લાંબી પોસ્ટ શેર કરીને કહ્યું કે તે સામાન્ય રીતે આવી બાબતો પર પ્રતિક્રિયા આપતી નથી, કારણ કે દરેકને પોતાનો અભિપ્રાય રાખવાનો હક છે. પરંતુ આ વખતે તેમના એપિસોડ પર જે વિવાદ ઊભો કરવામાં આવ્યો છે, તે અભિપ્રાય કરતાં વધુ લોકોના ગુસ્સાનો શિકાર બનાવવાની કોશિશ જેવો લાગે છે.

લગ્ન માટે 100 વખત પૂછવાની વાત પર સ્પષ્ટતા કરતાં રશ્મિકાએ કહ્યું કે આ વિષય ક્યારેય 100 વખત પૂછવા કે એક વર્ષ સુધી ચાલવાનો હતો જ નહીં. લોકો એક જ વાત પર અટકી ગયા. વિજય ફક્ત એટલું ઈચ્છતો હતો કે બંને એકબીજાને સમજવા માટે પૂરો સમય અને અવકાશ લે, જેથી જીવનના ઉતાર-ચઢાવ અને તણાવ વચ્ચે પણ તેઓ એકબીજા માટે યોગ્ય છે કે નહીં તેની ખાતરી થઈ શકે. તેમણે ઉમેર્યું કે જો હું પ્રેમમાં છું અને મારા પ્રેમ માટે 100 વાર નહીં, પણ 1000 વાર પૂછવું પડે તો તેમાં ખોટું શું છે?

રશ્મિકાએ વધુમાં જણાવ્યું કે તેમના જીવનમાં જ્યારે પણ હાડકાં તૂટ્યાં કે ચિંતા થઈ, ત્યારે વિજયે જ તેમની સંભાળ લીધી છે. બહાર બેસીને સોશિયલ મીડિયા પર કોઈના સંબંધનો ન્યાય કરવો સરળ છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ હોય છે.

બીજી તરફ વિજય દેવરકોંડાએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે રશ્મિકાને 'મારી સૌથી સારી મિત્ર, મારી પત્ની અને મારી જીવનસંગિની' કહી છે અને જણાવ્યું છે કે તેમની જિંદગીનો સૌથી સુંદર હિસ્સો એ છે કે તેમણે યોગ્ય રીતે સાથી પસંદ કર્યો છે. જે લોકો ખરેખર તેમની ચિંતા કરે છે તેમને તેમણે કહ્યું કે બંને ખૂબ ખુશ છે. જો આખી દુનિયા એક તરફ હોય અને બંને બીજી તરફ, તો પણ તેમને મંજૂર છે. જે લોકો માત્ર નકારાત્મકતા ફેલાવે છે તેમને તેમણે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે.

નોંધનીય છે કે વિજય અને રશ્મિકાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. તાજેતરમાં ફિલ્મ 'રાણાબાલી'ના પ્રમોશન અને 'કૉફી વિથ કરણ 9' દરમિયાન તેમણે પોતાની પ્રેમકથા વિશે વાત કરી હતી, જે બાદ આ વિવાદ ઊભો થયો હતો. હવે બંને કલાકારોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો સંબંધ પરસ્પર પ્રેમ અને સમજણ પર આધારિત છે અને સોશિયલ મીડિયાની નકારાત્મકતાની તેમના પર કોઈ અસર થતી નથી.