સત્ય. સાહસ. સંકલ્પ.

‘કોફી વિથ કરણ’ વિવાદ પર રશ્મિકા મંદાનાનો જવાબ: ‘પ્રેમ માટે 1000 વાર પૂછવું પડે તો ખોટું શું?’

‘કોફી વિથ કરણ’ વિવાદ પર રશ્મિકા મંદાનાનો જવાબ: ‘પ્રેમ માટે 1000 વાર પૂછવું પડે તો ખોટું શું?’

સાઉથ સિનેમાની જાણીતી જોડી વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. ‘કોફી વિથ કરણ સીઝન 9’માં તેમનો એપિસોડ પ્રસારિત થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. આ એપિસોડમાં રશ્મિકાએ જણાવ્યું હતું કે તેણે વિજયને લગ્ન માટે મનાવવા માટે લગભગ એક વર્ષ સુધી પ્રયાસ કર્યો હતો અને લગભગ 100 વખત લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ વાત સામે આવતાં નેટીઝન્સે વિજય દેવરકોંડાને ‘રેડ ફ્લેગ’ ગણાવ્યો અને તેમના સંબંધને ‘ટોક્સિક’ કહીને બંનેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. કેટલાક યુઝર્સે તો રશ્મિકાને છૂટાછેડા લેવાની સલાહ પણ આપી હતી.

હવે, ચારે બાજુથી થઈ રહેલી ટીકાઓ વચ્ચે આ જોડીએ મૌન તોડ્યું છે અને ટ્રોલર્સને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પર 8 સ્લાઇડની લાંબી પોસ્ટ શેર કરીને આ વિવાદ પર પોતાની વાત મૂકી છે. તેમણે લખ્યું: “હું સામાન્ય રીતે આવી બાબતો પર પ્રતિક્રિયા આપતી નથી, કારણ કે દરેકને પોતાનો અભિપ્રાય રાખવાનો હક છે. પણ આ વખતે અમારા એપિસોડ પર જે બખેડો મચાવવામાં આવ્યો છે, તે અભિપ્રાય ઓછો અને પોતાના ગુસ્સાનો શિકાર બનાવવા નીકળેલી ભીડ વધુ લાગે છે.”

વિજયને 100 વખત લગ્ન માટે પૂછવાની વાત પર સ્પષ્ટતા કરતાં રશ્મિકાએ ઉમેર્યું: “આ વિષય ક્યારેય 100 વખત પૂછવા કે એક વર્ષનો હતો જ નહીં. લોકો એક જ વાત પર અટકી ગયા. વિજય બસ એટલું જ ઈચ્છતો હતો કે અમે બંને એકબીજાને સમજવા માટે પૂરો સમય અને સ્પેસ લઈએ, જેથી જીવનના ઉતાર-ચઢાવ અને તણાવ વચ્ચે પણ અમે એકબીજા માટે યોગ્ય છીએ કે નહીં તેની ખાતરી થઈ શકે. અને અમે એકબીજાને પસંદ કર્યા. જો હું પ્રેમમાં છું અને પોતાના પ્રેમ માટે 100 વાર નહીં પણ 1000 વાર પૂછવું પડે તો તેમાં ખોટું શું છે.”

રશ્મિકાએ વધુમાં જણાવ્યું કે તેના જીવનમાં જ્યારે જ્યારે હાડકાં તૂટ્યાં કે ચિંતા થઈ, ત્યારે વિજયે જ તેની સંભાળ લીધી છે. બહાર બેસીને સોશિયલ મીડિયા પર તેમના સંબંધનું મૂલ્યાંકન કરવું સરળ છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે.

બીજી તરફ, વિજય દેવરકોંડાએ પણ સોશિયલ મીડિયા પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું: “મારી સૌથી સારી મિત્ર, મારી પત્ની અને મારી જીવનસંગિની... મારી જિંદગીનો સૌથી સુંદર હિસ્સો, જેને મેં યોગ્ય રીતે પસંદ કરી છે. જે લોકો ખરેખર અમારી ચિંતા કરે છે તેમને કહેવા માગું છું કે અમે બંને ખૂબ ખુશ છીએ. જો આખી દુનિયા એક તરફ હોય અને અમે બંને બીજી તરફ, તો પણ અમને મંજૂર છે. અને બાકીના લોકો - જેઓ માત્ર નકારાત્મકતા જ ફેલાવે છે - તેઓ ભાડમાં જાય.”

શું હતો સમગ્ર વિવાદ? વિજય અને રશ્મિકાએ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. તાજેતરમાં પોતાની ફિલ્મ ‘રાણાબાલી’ના પ્રમોશન અને ‘કોફી વિથ કરણ 9’ દરમિયાન તેણે પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી હતી. જેમાં વિજયના વર્તનને નેટીઝન્સે પુરુષપ્રધાન માનસિકતા ગણાવીને ટ્રોલ કર્યો હતો. પરંતુ હવે બંને કલાકારોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો સંબંધ અરસપરસના પ્રેમ અને વિવેક પર આધારિત છે અને સોશિયલ મીડિયાની નકારાત્મકતાથી તેમને કોઈ ફરક પડતો નથી.