સત્ય. સાહસ. સંકલ્પ.

રશ્મિકા મંદાનાની 'માયસા'નું ટીઝર રિલીઝ, ફેન્સે કહ્યું 'પુષ્પા' પછી 'શ્રીવલ્લી'નું રાજ

રશ્મિકા મંદાનાની 'માયસા'નું ટીઝર રિલીઝ, ફેન્સે કહ્યું 'પુષ્પા' પછી 'શ્રીવલ્લી'નું રાજ

રશ્મિકા મંદાનાની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'માયસા'નું એક્શનથી ભરપૂર ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝરમાં રશ્મિકા એક આદિવાસી ગોંડ છોકરીના પાત્રમાં જોવા મળે છે. 2 મિનિટ 3 સેકન્ડના આ ટીઝરમાં તે પોતાના રસ્તામાં આવતી દરેક મુશ્કેલી સામે લડતી દેખાય છે. ફેન્સ 'પુષ્પા' પછી 'શ્રીવલ્લી' બોક્સ ઓફિસ પર રાજ કરશે તેવી આગાહી કરી રહ્યા છે.

ટીઝરમાં માયસાને એક એવી મહિલા તરીકે દર્શાવવામાં આવી છે, જે પોતાના રસ્તામાં આવનારી દરેક અડચણ સામે લડવાનો નિર્ણય કરે છે. તેના પાત્રમાં લાગણીઓની ઊંડાણ સાથે એક મજબૂત અને બહાદુર છોકરીનો અવતાર જોવા મળે છે. રશ્મિકાનું ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન ટીઝરમાં સ્પષ્ટ દેખાય છે, જેમાં તે અંડરવોટર એક્શન સીન કરતી પણ જોઈ શકાય છે. માયસાનો કુદરતી અંદાજ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

ટીઝર જોયા બાદ ફેન્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, 'રુવાંટા ઊભાં કરી દીધાં.' તો બીજા યુઝરે લખ્યું, 'પુષ્પા પછી બોક્સ ઓફિસ પર શ્રીવલ્લી રૂલ કરશે.'

રવીન્દ્ર પુલ્લે દિગ્દર્શિત આ ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ અનફોર્મુલા ફિલ્મ્સ કરી રહ્યું છે. ફિલ્મમાં રશ્મિકા સિવાય ઈશ્વરી રાવ, ગુરુ સોમસુંદરમ અને રાવ રમેશ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

અગાઉ મે મહિનામાં રશ્મિકાએ સોશિયલ મીડિયા પર ફિલ્મની શૂટિંગને લઈને અપડેટ આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે 'માયસા'નું કેરળમાં ચાલી રહેલું લાંબુ શૂટિંગ શેડ્યૂલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. અભિનેત્રીએ આ દરમિયાન પોતાની ટીમ સાથે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. રશ્મિકાએ એક્શન સીન શૂટ કરવા માટે સખત મહેનત કરી હતી. તેણે થાઈલેન્ડના બેંગકોકમાં ખાસ સ્ટન્ટ અને કોમ્બેટ ટ્રેનિંગ લીધી હતી, જેમાં તેણે રોજના 8 કલાકથી વધુ સમય સુધી પ્રેક્ટિસ કરી હતી.