સત્ય. સાહસ. સંકલ્પ.

દુબઈમાં રાશિદ ખાનના ઘરે અફઘાની ભોજન, ઇરફાન-યુસુફ માટે ખુદ થાળી પીરસી

દુબઈમાં રાશિદ ખાનના ઘરે અફઘાની ભોજન, ઇરફાન-યુસુફ માટે ખુદ થાળી પીરસી

ક્રિકેટના મેદાન પર પોતાની બોલિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કરતો અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન અને ભારતના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ વચ્ચેની ગાઢ મિત્રતા ચાહકો માટે કોઈ નવી વાત નથી. તાજેતરમાં આ મિત્રતાની એક ઝલક દુબઈમાં જોવા મળી, જ્યાં રાશિદ ખાને પઠાણ બંધુઓ—ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ માટે પોતાના નિવાસસ્થાને પરંપરાગત અફઘાની ભોજનનું આયોજન કર્યું હતું.

હાલ પોતાના પરિવાર સાથે દુબઈમાં રજાઓ ગાળી રહેલા ઇરફાન પઠાણે આ મુલાકાતનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં રાશિદ ખાન ખુદ ઇરફાન માટે થાળી પીરસતો જોવા મળે છે. રાશિદ અને તેની પત્ની લયલોમા દ્વારા કરવામાં આવેલી આ મહેમાનગતિની ઇરફાન પઠાણે પોસ્ટમાં પ્રશંસા કરી છે.

ઇરફાને લખ્યું, “રાશિદ અને લયલોમા ભાભી ખરેખર અદ્ભુત યજમાન છે! અમે અત્યંત સ્વાદિષ્ટ અફઘાની ભોજનનો આનંદ માણ્યો. દરેક વાનગીનો સ્વાદ લાજવાબ હતો, પરંતુ તેમાં પીરસાયેલો પ્રેમ અને આદર આ સાંજને વધુ ખાસ બનાવી ગયા. મારા ભાઈ રાશિદ, ગઈકાલ રાતના ભોજનનો સ્વાદ હજી પણ મારા મનમાંથી જતો નથી!”

આ પરંપરાગત અફઘાની દાવતમાં ખાસ અફઘાન વાનગીઓ પીરસવામાં આવી હતી, જેમાં પ્રખ્યાત ‘કાબુલી પુલાવ’ અને ‘મંતૂ’ મુખ્ય આકર્ષણ હતા. ક્રિકેટ જગતના આ ખેલાડીઓ વચ્ચેના સ્નેહને લીધે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ ખૂબ ખુશ થઈ રહ્યા છે.