સત્ય. સાહસ. સંકલ્પ.

16 વર્ષના કિશોરની આંખની પાંપણ પર ઊગી નીકળ્યા બે દાંત, વિશ્વમાં પહેલો કેસ

16 વર્ષના કિશોરની આંખની પાંપણ પર ઊગી નીકળ્યા બે દાંત, વિશ્વમાં પહેલો કેસ

તબીબી વિજ્ઞાનમાં ક્યારેક એવા કિસ્સા સામે આવે છે જે નિષ્ણાત ડૉક્ટરોને પણ વિચારમાં મૂકી દે છે. ભારતમાં 16 વર્ષના એક કિશોરની આંખની પાંપણ અને ભ્રમર વચ્ચે બે તીક્ષ્ણ દાંત ઊગી નીકળ્યા હતા. આ કેસ અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજી (AAO)માં નોંધાયો છે.

મોંના પેઢા સિવાય શરીરના બીજા કોઈ ભાગમાં દાંત ઊગવાની સ્થિતિને ‘એક્ટોપિક ટૂથ ઇરપ્શન’ કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન (NCBI) અનુસાર, આ એક દુર્લભ સ્થિતિ છે. ‘ન્યૂયોર્ક પોસ્ટ’ના રિપોર્ટ મુજબ, આ કિશોરની આંખની પાંપણ અને ભ્રમર વચ્ચેના ભાગમાં બે દાંત ફૂટી નીકળ્યા હતા. ડૉક્ટરોએ તેને વિશ્વની સૌથી અનોખી ઘટનાઓમાંની એક ગણાવી છે.

અગાઉ દાંત નાકની અંદર, આંખની નીચે કે ગાલના હાડકાની અંદરના ભાગમાં ઊગવાના કિસ્સા નોંધાયા છે. પણ આંખની ઉપરના ભાગમાં દાંત ઊગ્યા હોય તેવો કેસ તબીબી ઇતિહાસમાં પહેલી વાર સામે આવ્યો છે. અભ્યાસના સહ-લેખક ડૉ. મેઘના તંવરના જણાવ્યા અનુસાર, આ દાંત ‘સુપિરિયર ઓર્બિટ’માં હાજર હતા, જે આંખના ઉપરના ખાડાનો ભાગ છે.

રિપોર્ટ અનુસાર, શરૂઆતના થોડા મહિનાઓ સુધી કિશોરને દુખાવો નહોતો, ફક્ત હળવો સોજો રહ્યો હતો. પછી તે જગ્યાએથી ધીમે ધીમે બે સફેદ અણીદાર વસ્તુઓ બહાર નીકળવા લાગી. થોડા સમયમાં પાંપણ અને ભ્રમર વચ્ચે બે પૂરા કદના તીક્ષ્ણ દાંત સ્પષ્ટ દેખાવા લાગ્યા.

શરૂઆતમાં ડૉક્ટરોને શંકા હતી કે આ ‘ટેરાટોમા ટ્યુમર’ (હાડકા અને દાંતના પેશીઓને અસર કરતી ગાંઠ) હોઈ શકે છે. પણ સીટી સ્કેન બાદ ખાતરી થઈ કે આ ગાંઠ નહીં, પણ પૂરા વિકસિત મેચ્યોર કેનાઇન દાંત હતા.

હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે જટિલ સર્જરી કરીને કિશોરની પાંપણ પરથી બંને દાંત સુરક્ષિત રીતે દૂર કર્યા છે. તપાસમાં ખાતરી થઈ છે કે તેના શરીરમાં બીજે ક્યાંય આવા દાંત ઊગવાની શક્યતા નથી.

ડૉ. મેઘના તંવરે જણાવ્યું, “સમગ્ર વિશ્વમાં આ પ્રથમ એવો અતિ દુર્લભ કેસ છે જ્યાં મોંના કુદરતી જડબાની સંપૂર્ણ બહાર આ રીતે દાંત વિકસ્યા હતા. આ અસામાન્ય નજારો જોઈને અમે ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.”