વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક અતિ દુર્લભ અને બિનઝેરી સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જીએસપીસીએ (ગુજરાત સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ)ના વોલેન્ટિયરે આશરે 45 સેન્ટિમીટર લાંબા 'શ્યામશિર સર્પ' (Duméril's Black-headed Snake)ને સલામત રીતે બચાવીને વન વિભાગને સોંપ્યો છે.
આ સાપ મૂળ ભારતીય ઉપખંડનો વતની છે. ભારત ઉપરાંત શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશમાં પણ તે જોવા મળે છે. ભારતમાં તે દક્ષિણ અને મધ્ય ભારત તેમજ ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ફેલાયેલો છે.
આ સાપ પાણીમાં રહેતો નથી, પણ જમીન પર રહે છે. તે ભેજવાળી જમીન, ઝાડ-પાનનો સૂકો કચરો, પથ્થરોની તિરાડો કે ભીની માટીના દરમાં રહેવાનું પસંદ કરે છે. તે માણસો માટે સહેજ પણ ખતરનાક નથી. તેનામાં ઝેર હોતું નથી અને તે ખૂબ શાંત સ્વભાવનો હોય છે.
દેખાવમાં આ સાપનું માથું ઘેરા કાળા રંગનું અને બાકીનું શરીર બદામી રંગનું હોય છે. તેનું પેટ પીળાશ પડતું સફેદ હોય છે. કદમાં તે નાનો (મહત્તમ 40 થી 50 સેન્ટિમીટર) અને ખૂબ પાતળો હોય છે. તે નાની ગરોળી, કાચિંડા અને નાના કીડાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
સરીસૃપ નિષ્ણાતોના મતે આ સાપ દુર્લભ ગણાય છે, કારણ કે તેનું જીવન મોટે ભાગે ગુપ્ત રહે છે. તે જમીનની અંદર, સૂકા પાંદડાના ઢગલા કે પથ્થરો નીચે જ રહે છે. દિવસના સમયે તે ખુલ્લામાં આવવાનું ટાળે છે અને મોટે ભાગે સાંજ કે રાત્રિના સમયે શિકાર માટે બહાર નીકળે છે. કદ નાનું હોવાથી તે ઘાસ અને પાંદડામાં સરળતાથી છુપાઈ જાય છે.
જ્યારે જમીનમાં ભારે ખોદકામ થાય, ખેતરનું કામકાજ ચાલતું હોય કે ચોમાસા પછી જમીનમાં ભેજનું પ્રમાણ બદલાય, ત્યારે જ આ સાપ ભાગ્યે જ બહાર જોવા મળે છે. વડોદરામાં તેનું મળવું સ્થાનિક જૈવ-વિવિધતા માટે સારો સંકેત માનવામાં આવે છે.