સત્ય. સાહસ. સંકલ્પ.

રણવીર સિંહની 'પ્રલય'ની ઝલક: લાંબા વાળ અને પીઠ પર બાળક, 'ધુરંધર'ના હમઝાની યાદ અપાવે છે

રણવીર સિંહની 'પ્રલય'ની ઝલક: લાંબા વાળ અને પીઠ પર બાળક, 'ધુરંધર'ના હમઝાની યાદ અપાવે છે

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની આગામી ફિલ્મ 'પ્રલય'નું શૂટિંગ હાલ મુંબઈમાં ચાલી રહ્યું છે. આ શૂટિંગ દરમિયાનના કેટલાક વીડિયો અને તસવીરો સામે આવ્યા છે, જેમાં રણવીર લાંબા વાળ અને પીઠ પર બાળક સાથે જોવા મળે છે. ફિલ્મના આ પહેલા લુકે ચાહકોમાં ઉત્સુકતા વધારી દીધી છે અને તેની તુલના અગાઉની ફિલ્મ 'ધુરંધર'ના તેમના પાત્ર સાથે કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર ચાહકોએ આ લુકને 'ધુરંધર'ના ગુપ્તચર જસકીરત સિંહ રાંગી ઉર્ફ હમઝા સાથે સાંકળીને પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક યુઝર્સે કોમેન્ટ કરીને કહ્યું કે 'જસકીરત પાછો ફર્યો'. 'ધુરંધર'માં હમઝા અલી મઝારી એક ભારતીય જાસૂસ હતો, જેનું સાચું નામ જસકીરત સિંહ હતું.

વીડિયોમાં રણવીર સિંહ સાથે અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન પણ દેખાઈ રહી છે, જેઓ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ થકી રણવીર અને કલ્યાણીની જોડી પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. કલ્યાણીએ તાજેતરમાં ફિલ્મ 'લોકા'થી ખૂબ વખાણ મેળવ્યા છે.

'પ્રલય' એક પોસ્ટ-એપોકેલિપ્ટિક ઝોમ્બી સર્વાઈવલ થ્રિલર છે, જેનું શૂટિંગ મુંબઈ અને તેની આસપાસના વાસ્તવિક લોકેશન્સ પર કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના નિર્માતાઓ અનુસાર, આ ફિલ્મ માટે ઘણા મહિનાઓ સુધી તકનીકી પૂર્વ-નિર્માણ કાર્ય ચાલ્યું છે.

ફિલ્મનું દિગ્દર્શન જય મહેતા કરી રહ્યા છે, જેમણે 'સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી' અને 'લુટેરે' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ પ્રોજેક્ટ માટે રણવીર સિંહ, કલ્યાણી પ્રિયદર્શન અને જય મહેતા પ્રથમ વખત સાથે જોડાયા છે.

'પ્રલય'નું નિર્માણ અનન્યા બિરલાના બિરલા સ્ટુડિયોઝ, હંસલ મહેતા અને સાહિલ સૈગલની ટ્રુ સ્ટોરી ફિલ્મ્સ તથા મા કસમ ફિલ્મ્સ સંયુક્ત રીતે કરી રહ્યા છે.