સત્ય. સાહસ. સંકલ્પ.

રણજી ટ્રોફીની 92મી સીઝન આજથી શરૂ: 38 ટીમ, 138 મેચ, મુંબઈ 42 વખતની ચેમ્પિયન

રણજી ટ્રોફીની 92મી સીઝન આજથી શરૂ: 38 ટીમ, 138 મેચ, મુંબઈ 42 વખતની ચેમ્પિયન

વિશ્વની સૌથી મોટી ડોમેસ્ટિક રેડ-બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની 92મી સીઝન આજથી શરૂ થઈ છે. 1934-35માં શરૂ થયેલી આ ચેમ્પિયનશિપમાં આ વખતે 38 ટીમ ટાઇટલ માટે મેદાનમાં ઉતરી છે. કુલ 138 મેચ રમાશે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં મુંબઈએ સૌથી વધુ 42 વખત ટાઇટલ જીત્યું છે.

રણજી ટ્રોફી ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે મહત્ત્વનું મંચ માનવામાં આવે છે. આ સીઝનમાં યશસ્વી જાયસવાલ, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, સરફરાઝ ખાન અને રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની રમત પર પણ ચાહકોની નજર રહેશે.

ટુર્નામેન્ટ ક્યારે અને શા માટે શરૂ થઈ?

જુલાઈ 1934માં BCCIએ દેશમાં પ્રથમ શ્રેણીની ક્રિકેટ યોજવાનો વિચાર રજૂ કર્યો. તે સમયે તેનું નામ ‘ક્રિકેટ ચેમ્પિયનશિપ ઑફ ઇન્ડિયા’ હતું. પ્રથમ સીઝનમાં 15 ટીમે ભાગ લીધો હતો. પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંહે ટ્રોફી દાનમાં આપી હતી. પ્રથમ મેચ મદ્રાસ અને મૈસૂર વચ્ચે ચેપોક ખાતે રમાઈ હતી અને બોમ્બે ચેમ્પિયન બન્યું હતું.

પાછળથી ટુર્નામેન્ટનું નામ નવાગરના રાજપરિવાર સાથે સંકળાયેલા કુમાર શ્રી રણજિતસિંહના નામ પરથી રાખવામાં આવ્યું. રણજી તરીકે જાણીતા રણજિતસિંહે 1896થી 1902 વચ્ચે ઇંગ્લેન્ડ માટે 15 ટેસ્ટ રમી હતી. તે સમયે ભારતની પોતાની ટેસ્ટ ટીમ નહોતી, તેથી તેમણે ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું. રણજિતસિંહ ટેસ્ટ ક્રિકેટ રમનારા પ્રથમ ભારતીય ખેલાડી હતા.

શું રણજી ટ્રોફી ભારતની પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી?

ના. 1892માં યુરોપિયન અને પારસી ટીમો વચ્ચે બોમ્બે પ્રેસિડેન્સી મેચ રમાઈ હતી. બાદમાં આ ટુર્નામેન્ટ બોમ્બે ટ્રાયએંગ્યુલર, ક્વાડ્રૈંગ્યુલર અને પછી પેન્ટાંગ્યુલર સ્વરૂપે આગળ વધી. તેમાં હિન્દુ, મુસ્લિમ અને ‘ધ રેસ્ટ’ જેવી ટીમો પણ સામેલ થઈ હતી. આ ટુર્નામેન્ટ 1946 સુધી ચાલી.

મુંબઈ સૌથી વધુ ટાઇટલ, જમ્મુ-કાશ્મીર ડિફેન્ડિંગ ચેમ્પિયન

મુંબઈએ 42 વખત ખિતાબ જીત્યો છે. સતત 15 સીઝન ચેમ્પિયન બનવાનો રેકોર્ડ પણ મુંબઈના નામે છે. 8 ખિતાબ સાથે કર્ણાટક બીજા અને 7 ખિતાબ સાથે દિલ્હી ત્રીજા સ્થાને છે. ગયા સીઝનની સૌથી મોટી કહાની જમ્મુ-કાશ્મીરની રહી, જે 1959-60થી ટુર્નામેન્ટમાં રમી રહેલી આ ટીમ 67 વર્ષ બાદ ચેમ્પિયન બની.

આ સીઝનમાં ટીમો અને ફોર્મેટ

આ સીઝન 11 ઑક્ટોબર 2026થી 3 માર્ચ 2027 સુધી રમાશે. 38 ટીમને એલિટ અને પ્લેટ ડિવિઝનમાં વહેંચવામાં આવી છે. એલિટમાં 32 ટીમ ચાર ગ્રુપમાં હશે, જ્યારે પ્લેટમાં 6 ટીમ રમશે. એલિટમાં દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની સાત ટીમ સામે રમશે, ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે. પ્લેટ ડિવિઝનની 6 ટીમ એકબીજા સામે રમશે અને ફાઇનલથી વિજેતા નક્કી થશે.

ટુર્નામેન્ટ બે તબક્કામાં રમાશે. પહેલો તબક્કો ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાશે, જેમાં 19 મેચ રમાશે. ત્યારબાદ સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી અને વિજય હજારે વન-ડે ટ્રોફી રમાશે. રણજી ટ્રોફીનો બીજો તબક્કો જાન્યુઆરી 2027માં શરૂ થશે.

મેચ કેટલા દિવસની?

આ પ્રથમ શ્રેણીની ક્રિકેટ ટુર્નામેન્ટ છે. લીગ મેચ ચાર દિવસની હોય છે, જ્યારે નોકઆઉટ મુકાબલા પાંચ દિવસ સુધી રમાય છે. ટેસ્ટ ક્રિકેટની જેમ બંને ટીમને બે-બે ઇનિંગ્સ રમવાની તક મળે છે. જો નોકઆઉટ મેચમાં નિર્ધારિત સમય સુધી પરિણામ ન આવે, તો પહેલી ઇનિંગ્સની લીડ નિર્ણાયક બની શકે છે. 2025-26 સીઝનની ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામે પહેલી ઇનિંગ્સની લીડના આધારે ખિતાબ જીત્યો હતો. ફાઇનલ ડ્રો રહી હોવા છતાં જમ્મુ-કાશ્મીરની 584 રનની ઇનિંગ્સ અને કર્ણાટક 293 રને ઓલઆઉટ થવાથી મળેલી 291 રનની લીડે તેને ચેમ્પિયન બનાવ્યું.

ખેલાડીઓને કેટલી ફી મળે છે?

BCCIના ફી સ્ટ્રક્ચર મુજબ, રણજી ટ્રોફીમાં ખેલાડીઓને તેમના પ્રથમ શ્રેણીના મેચોના અનુભવ અને પ્લેઇંગ-11 કે રિઝર્વમાં હોવાના આધારે મેચ ફી મળે છે. ચાર દિવસની લીગ મેચમાં કોઈ ખેલાડી ₹2.4 લાખ સુધી કમાઈ શકે છે. અમ્પાયરોને તેમના ગ્રેડ મુજબ પૈસા આપવામાં આવે છે. તેમને A, B, C અને Dમાં વહેંચવામાં આવ્યા છે. અગાઉ ઘરેલુ મુકાબલાઓમાં ટોચના સ્તરના અમ્પાયરોને પ્રતિદિન ₹40,000 અને અન્ય સ્તરના અમ્પાયરોને પ્રતિદિન ₹30,000 મળતા હતા.

ટિકિટ ખરીદવી પડે છે?

ટુર્નામેન્ટની મેચ જોવા માટે દર વખતે ટિકિટ ખરીદવી જરૂરી નથી. ઘણી સ્થાનિક મેચમાં દર્શકોને મફત પ્રવેશ મળે છે. આ વ્યવસ્થા યજમાન સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન અને સ્ટેડિયમના નિયમો પર આધારિત હોય છે.