સત્ય. સાહસ. સંકલ્પ.

રાની મુખર્જીના માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન, બંગાળી સિનેમાનાં જાણીતાં પ્લેબેક સિંગર હતાં

રાની મુખર્જીના માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન, બંગાળી સિનેમાનાં જાણીતાં પ્લેબેક સિંગર હતાં

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીના માતા કૃષ્ણા મુખર્જીનું મંગળવારે બપોરે 75 વર્ષની વયે નિધન થયું. યશરાજ ફિલ્મ્સ (YRF)એ સત્તાવાર નિવેદન બહાર પાડીને આ માહિતી આપી.

કૃષ્ણા મુખર્જી બંગાળી સિનેમાનાં જાણીતાં પ્લેબેક સિંગર હતાં. તેઓ ઘણી વાર દીકરી રાની સાથે જાહેર કાર્યક્રમોમાં જોવા મળતાં હતાં. માતાના નિધનથી મુખર્જી પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારે આ મુશ્કેલ સમયમાં મીડિયા અને ચાહકોને ગોપનીયતા જાળવવા અપીલ કરી છે.

યશરાજ ફિલ્મ્સે જારી કરેલા નિવેદનમાં લખ્યું છે, "ભારે હૃદય સાથે અમે આ માહિતી આપી રહ્યા છીએ કે રાની મુખર્જીના માતા શ્રીમતી કૃષ્ણા મુખર્જીનું આજે બપોરે નિધન થયું છે. તેઓ 75 વર્ષનાં હતાં. પરિવાર તમારા સૌના પ્રેમ, પ્રાર્થનાઓ અને સહકાર માટે ખૂબ આભારી છે. આ અત્યંત મુશ્કેલ સમયમાં પરિવાર આપ સૌને ગોપનીયતા જાળવવા વિનંતી કરે છે."

કૃષ્ણા મુખર્જીનો ભારતીય સિનેમા, ખાસ કરીને બંગાળી ફિલ્મ ઉદ્યોગ સાથે ગાઢ સંબંધ રહ્યો હતો. તેઓ પોતે પ્રોફેશનલ પ્લેબેક સિંગર હતાં અને તેમણે ઘણી બંગાળી ફિલ્મોમાં ગીતો ગાયાં હતાં. સંગીત સાથે જોડાયેલા રહેવાને કારણે તેમણે પોતાની દીકરી રાની મુખર્જીને પણ કલા અને અભિનયના ક્ષેત્રમાં આગળ વધવા માટે હંમેશાં પ્રેરિત કરી.

રાની પોતાની માતાની ખૂબ નજીક હતી અને અનેક પ્રસંગોએ તે પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપી ચૂકી છે. બંને વચ્ચે મજબૂત બોન્ડિંગ જોવા મળતું હતું. પોતાની કારકિર્દીની શરૂઆતથી જ રાની જ્યારે પણ કોઈ એવોર્ડ સમારોહ, ફિલ્મ સ્ક્રીનિંગ અથવા જાહેર કાર્યક્રમમાં જતી હતી, ત્યારે કૃષ્ણા મુખર્જી તેની સાથે ચોક્કસ જોવા મળતાં હતાં. પતિ રામ મુખર્જીના નિધન બાદ પણ કૃષ્ણા પોતાની દીકરી રાની સાથે રહીને પરિવારની ભૂમિકા ભજવતાં હતાં.

કૃષ્ણા મુખર્જીએ 1980ના દાયકામાં અનેક ચર્ચિત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું સૌથી પ્રસિદ્ધ ગીત 1982માં આવેલી ફિલ્મ 'તીસરી આંખ'નું 'ઈદ કે દિન ગલે મિલ લે રાજા' હતું, જેને જાણીતી સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું. સંગીતની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા હોવાને કારણે શાસ્ત્રીય અને લોકસંગીત પર તેમની મજબૂત પકડ હતી. ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ ઉપરાંત તેઓ અનેક બંગાળી આલ્બમ અને સ્ટેજ શો દ્વારા પણ સંગીત જગતમાં સક્રિય રહ્યાં હતાં.

સંગીત કારકિર્દી સાથે-સાથે કૃષ્ણા મુખર્જીને ફિલ્મ ઉદ્યોગના કામ અને બિઝનેસની પણ ઝીણવટભરી સમજ હતી. તેમણે જ રાની મુખર્જીને ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવાની સલાહ આપી હતી, પરંતુ તેઓ કામની ગુણવત્તાને લઈને ખૂબ કડક હતાં. રાનીના પ્રથમ સ્ક્રીન ટેસ્ટ વખતે જ્યારે તેમને પોતાની દીકરીનો અભિનય પસંદ ન આવ્યો, ત્યારે તેમણે 'રાજા કી આયેગી બારાત'ના પ્રોડ્યુસર સલીમને ખૂલીને કહી દીધું હતું કે તેઓ રાનીને ફિલ્મમાં ન લે, કારણ કે તેનાથી તેમને આર્થિક નુકસાન થઈ શકે છે.

રાની મુખર્જીએ પોતાની લાંબી કારકિર્દીમાં 'ગુલામ', 'કુછ કુછ હોતા હૈ', 'સાથિયા', 'હમ તુમ' અને 'બ્લેક' જેવી અનેક જાણીતી ફિલ્મો આપી છે. રાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મર્દાની 3'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના શિવાની શિવાજી રોયના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.