સત્ય. સાહસ. સંકલ્પ.

રાની મુખર્જીનાં માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન, બોલિવૂડ સિતારાઓએ અંતિમ સંસ્કારમાં શ્રદ્ધાંજલિ આપી

રાની મુખર્જીનાં માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન, બોલિવૂડ સિતારાઓએ અંતિમ સંસ્કારમાં શ્રદ્ધાંજલિ આપી

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીનાં માતા કૃષ્ણા મુખર્જીનું મંગળવારે બપોરે 75 વર્ષની વયે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે સાંજે મુંબઈના જુહૂ સ્થિત પવન હંસ સ્મશાનઘાટ ખાતે કરવામાં આવ્યા. યશરાજ ફિલ્મ્સે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે, 'ભારે હૃદય સાથે અમે આ માહિતી આપી રહ્યા છીએ કે રાની મુખર્જીના માતા શ્રીમતી કૃષ્ણા મુખર્જીનું આજે બપોરે નિધન થયું છે. તેઓ 75 વર્ષનાં હતાં. પરિવાર તમારા સૌના પ્રેમ, પ્રાર્થનાઓ અને સહકાર માટે ખૂબ આભારી છે. આ અત્યંત મુશ્કેલ સમયમાં પરિવાર આપ સૌને ગોપનીયતા જાળવવા વિનંતી કરે છે.' પરિવારે મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી.

આ દુઃખની ઘડીમાં રાની મુખર્જી અને તેમના પરિવારને સાંત્વના આપવા બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ પહોંચી હતી. શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને મેનેજર પૂજા દદલાણી સાથે કડક સુરક્ષા વચ્ચે સ્મશાનઘાટ પહોંચ્યો હતો. તેણે રાની મુખર્જી અને તેના ભાઈ રાજા મુખર્જી સાથે મુલાકાત કરીને દુઃખ વ્યક્ત કર્યું અને અંતિમ વિદાય આપી. આમિર ખાન તેની પત્ની ગૌરી સાથે રાની મુખર્જીને મળવા પહોંચ્યો હતો. આલિયા ભટ્ટ, અનિલ કપૂર, શિલ્પા શેટ્ટી, કબીર ખાન અને કરણ જોહર સહિત અનેક સેલેબ્સે પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપીને શોક સંવેદના વ્યક્ત કરી હતી.

માતાના નિધનના સમાચાર સામે આવતાં જ રાની મુખર્જીના જુહૂ સ્થિત નિવાસસ્થાને સાંત્વના આપવા માટે બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી હતી. આમિર ખાન રાનીના ઘરે પહોંચીને તેને સાંત્વના આપી હતી. બંનેએ 'ગુલામ', 'મન' અને 'તલાશ' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને વર્ષો જૂનો સંબંધ ધરાવે છે. આ ઉપરાંત અભિનેત્રી આલિયા ભટ્ટ, ફિલ્મમેકર કરણ જોહર, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, આશુતોષ ગોવારિકર અને અનિલ કપૂર પણ રાનીના ઘરે પહોંચીને તેમના દુઃખમાં સહભાગી થયા હતા.

કૃષ્ણા મુખર્જી બંગાળી સિનેમાનાં જાણીતા પ્લેબેક સિંગર રહી ચૂક્યાં છે. તેમનો ભારતીય સિનેમા, ખાસ કરીને બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ગાઢ સંબંધ રહ્યો હતો. તેમણે ઘણી બંગાળી ફિલ્મોમાં ગીતો ગાયાં હતાં. 1980ના દાયકામાં તેમણે અનેક ચર્ચિત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું સૌથી પ્રસિદ્ધ ગીત 1982માં આવેલી ફિલ્મ 'તીસરી આંખ'નું 'ઈદ કે દિન ગલે મિલ લે રાજા' હતું. સંગીત સાથે જોડાયેલા રહેવાને કારણે તેમણે પોતાની દીકરી રાની મુખર્જીને પણ કલા અને એક્ટિંગના ક્ષેત્રમાં આગળ વધવા માટે હંમેશાં પ્રેરિત કરી હતી.

રાની પોતાની માતાની ખૂબ નજીક હતી અને અનેક પ્રસંગોએ તે પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપી ચૂકી છે. બંને વચ્ચે મજબૂત બોન્ડિંગ જોવા મળતું હતું. પોતાની કારકિર્દીની શરૂઆતથી જ રાની જ્યારે પણ કોઈ એવોર્ડ સમારોહ, ફિલ્મ સ્ક્રીનિંગ અથવા જાહેર કાર્યક્રમમાં જતી હતી, ત્યારે કૃષ્ણા મુખર્જી તેની સાથે ચોક્કસ જોવા મળતાં હતાં. પતિ રામ મુખર્જીના નિધન બાદ પણ કૃષ્ણા પોતાની દીકરી રાની સાથે રહીને પરિવારની ભૂમિકા ભજવતાં હતાં. માતાના નિધનથી મુખર્જી પરિવારમાં શોકનો માહોલ છે.